હવે એક જ પરીક્ષાની તૈયારી કરતાં શ્રેષ્ઠ ઉમેદવાર અધિકારી તરીકે મળશે, નવા નિયમો.. જાણો

Spread the love

 

રાજકોટ

GPSC દ્વારા સિવિલ સર્વિસીઝ એક્ઝામિનેશનના માર્કના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ મેઈન્સ અને ઇન્ટરવ્યૂના 1000 માર્ક હતા અને એના સ્થાને હવે 1400 માર્ક હશે. આમ, UPSC પેટર્નથી GPSC પરીક્ષા લેવામાં આવશે. આ નિર્ણયને લીધે હવે ઉમેદવારો એકસાથે 2 પરીક્ષાની તૈયારી નહીં કરી શકે, પણ એક જ પરીક્ષાની તૈયારી કરતાં શ્રેષ્ઠ ઉમેદવાર અધિકારી તરીકે મળશે.

આગામી 20 એપ્રિલ, 2025ના GPSC દ્વારા સિવિલ સર્વિસીઝના ક્લાસ 1 અને 2ની અંદાજે 100 જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવશે છે. એ પરીક્ષા નવા માળખાના આધારે લેવામાં આવશે. એ માટે ફોર્મ ભરવાનું થોડા દિવસોમાં શરૂ થશે.

રાજકોટમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરાવતા એક્સપર્ટ દિનેશ કણેતે જણાવ્યું હતું કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એ એક આયોગ છે અને એ સિવિલ સર્વિસીઝ એક્ઝામિનેશન લઈ ક્લાસ – 1, 2, સુપર ક્લાસ 3 અને ક્લાસ -3ની પરીક્ષાનું આયોજન કરે છે. ક્લાસ – 1 અને 2 માટે સંયુક્ત પરીક્ષાનું આયોજન થતું હોય છે, જેમાં ઉમેદવાર સફળ થાય તો ડેપ્યુટી કલેક્ટર અને ડી.વાય.એસ.પી. તરીકેના હોદ્દાઓ પર ફરજ બજાવે છે. જ્યારે કોઈ ઉમેદવાર વર્ગ 2માં પસંદગી પામે તો તે મામલતદાર, DDO, સ્ટેટ ટેકસ ઑફિસર તરીકે ફરજ બજાવે છે.

અગાઉ GPSC દ્વારા સિવિલ સર્વિસીઝ એક્ઝામિનેશન અંતર્ગત જે પરીક્ષાઓ લેવામાં આવતી હતી એમાં પરીક્ષાના ત્રણ તબક્કા હતા. પ્રીલિમ્સ, મેઈન્સ અને ઇન્ટરવ્યૂ, જોકે વર્ષ 2025માં 3 માર્ચના ગુજરાત સરકાર દ્વારા જે ગેઝેટ બહાર પાડવામાં આવ્યું એમાં ફેરફાર કર્યો છે. એમાં પરીક્ષાના તબક્કાઓ તો એકસરખા જ છે, પરંતુ એમાં માર્કના વેઇટેજમાં ફેરફાર થયો છે.

અગાઉ પ્રીલિમ્સ પરીક્ષામાં 200 માર્કનાં 2 પેપર હતાં, એટલે કે 400 માર્ક થતા. જ્યારે હવે પ્રીલિમ્સ પરીક્ષામાં 200 માર્કનું 1 જ પેપર રહેશે. જોકે પ્રીલિમ્સ પરીક્ષા એ કવોલિફાઇંગ ટેસ્ટ રહેશે. તેના માર્ક્સ કોઈપણ જગ્યાએ મેરિટમાં ગણતરીમાં લેવામાં નહીં આવે.

જ્યારે મેઈન્સ પરીક્ષામાં અત્યારસુધી ગુજરાતી, અંગ્રેજી, નિબંધ અને જનરલ સ્ટડીઝનાં 3 પેપર હતાં, જેમાં પ્રતિ પેપર 150 માર્ક હતા અને કુલ 6 પેપરના 900 માર્ક હતા. એની સામે હવે નવા નિયમ મુજબ મેઇન્સ પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી બન્ને 300-300 માર્કનાં પેપર હશે. જે પણ ક્વોલિફાઇંગ માટે રાખવામાં આવ્યા છે, એટલે કે બંને પેપરમાં 25% ગુણ મેળવવા ફરજિયાત છે.

300માંથી 75થી વધુ માર્ક્સ લેવા ફરજિયાત છે, પરંતુ આ બંને પેપરના માર્ક મેરિટમાં ગણવામાં નહીં આવે. નવા નિયમો મુજબ આ તબક્કા બાદ મેઈન્સ એક્ઝામમાં નિબંધ, જનરલ સ્ટડીઝ – 1, 2, 3, 4 એમ કુલ 5 પેપર હશે, જેમાં પ્રતિ પેપર માર્ક 250 હશે, એટલે કુલ 5 પેપરના 1250 માર્ક હશે. જૂના નિયમોમાં ઇન્ટરવ્યૂના 100 માર્ક હતા, જોકે હવે લેવામાં આવનારી પરીક્ષાઓમાં ઇન્ટરવ્યૂના 150 માર્ક રાખવામાં આવશે. અગાઉ 1000 માર્કના આધારે ઉમેદવારનું મેરિટ તૈયાર થતું હતું, જેને બદલે હવે 1400 માર્કના આધારે મેરિટ તૈયાર થશે.

નવા નિયમો બાબતે એક્સપર્ટ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે GPSC ચેરમેન હસમુખ પટેલના એવાં પ્રયત્નો છે કે ગુજરાતના ઉમેદવાર યુપીએસસીની પરીક્ષા આપે અને તેમાં પાસ થઈને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં અધિકારી બને. એને ધ્યાનમાં રાખીને GPSC દ્વારા પોતાની પરીક્ષા પેટર્નમાં ચેન્જ કરવામાં આવ્યો છે અને યુપીએસસીની પેટર્ન માફક હવે GPSCની પરીક્ષા લેવામાં આવશે એવું કહી શકાય.

જે વિદ્યાર્થીઓ સાચા અર્થમાં GPSCની પરીક્ષાની તૈયારી કરે છે એના માટે નવી પેટર્ન ખૂબ સારી રહેશે, પરંતુ કોઈ ઉમેદવાર એવું વિચારતો હોય કે તલાટી મંત્રી બનવા માટેની પરીક્ષાની તૈયારી કરું છું તો એની સાથે સાથે GPSCની પરીક્ષાની તૈયારી કરું અને એમાં સફળ થાઉ તો એવું હવે નહીં બને. ક્વોલિટી કેન્ડિડેટ સફળ થશે. નવા માળખા મૂજબ GPSCની પરીક્ષાની પદ્ધતિ સરખી રહેશે, પરંતુ એમાં માર્કના વેઇટેજમાં ફેરફાર થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *