મહાકુંભમાં 130 બોટ ધરાવતો જે પરિવાર 45 દિવસમાં 30 કરોડ રૂપિયા કમાયો એ પરિવારના પિન્ટુ મહરા પર તો હત્યા, હત્યાના પ્રયાસ સહિતના ઘણા ગંભીર ગુના પોલીસના ચોપડે નોંધાયેલા છે. આ પિન્ટુ મહરા પ્રયાગરાજના અરેલ વિસ્તારમાં 2009માં થયેલા ડબલ મર્ડરનો પણ આરોપી છે.
પિન્ટુ મહરાના બે ભાઈઓ અને પિતા પણ ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. પિન્ટુના પિતા બચ્ચા મહેરા જેલમાં સજા કાપી રહ્યા હતા એ વખતે ઇલાજ દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું.
પિન્ટુના એક ભાઈ આનંદ મહરાની યમુના નદીમાં એક હોડીમાં અન્ય એક જણ સાથે હત્યા કરી દેવામાં આવી હતી. પિન્ટુ મહરા પર એક ડઝનથી વધારે કેસ નોંધાયેલા છે. 2009ના ડબલ મર્ડર ઉપરાંત 2017ની એક હત્યાનો પણ તેના પર આરોપ છે. મહાકુંભમાં નદીમાં હોડી ચલાવવા દેવા બદલ ખંડણી માગવાનો પણ પિન્ટુ સહિતના 8 લોકો પર 11 ફેબ્રુઆરીએ કેસ નોંધાયો હતો. ફરિયાદીએ કહ્યું હતું કે આરોપીઓએ મારા ભાઈની મારપીટ કરીને તેને થાયલ કરી નાખ્યો હતો તથા હોડી ચલાવવી હોય તો પાંચ-પાંચ હજાર આપવા પડશે, નહીંતર જાનથી મારીને ફેંકી દેવામાં આવશે એવી ધમકી પણ આપી હતી. આ પહેલાં પણ આરોપીઓ બન્ને ભાઈ પાસેથી 8 હજાર પડાવી ચૂક્યા હતા એવો આરોપ કરવામાં આવ્યો છે.
મહાકુંભ શરૂ થયો એ પહેલાં પિન્ટુ મહરાના પરિવાર પાસે 60 બોટ હતી. મહાકુંભમાં આવનારા કરોડો લોકોને લીધે મળનારી તક પારખીને પરિવારે, એક હિંમતભર્યો નિર્ણય લીધો હતો અને લોન લઈને તથા સોનું ગિરવી મૂકીને બીજી 70 બોટ વસાવી લીધી હતી.
કુલ 130 બોટ પોતાની પાસે હોવાને કારણે આ પરિવારે 45 દિવસમાં પ્રત્યેક બોટના 23 લાખ રૂપિયા પ્રમાણે કમાણી કરી હતી. પ્રત્યેક બોટ દરરોજ પચાસથી બાવન હજાર રૂપિયાનો વકરો કરતી હતી. આ પરિવારને 30 કરોડ રૂપિયાનો જે વકરો થયો છે એમાંથી ખર્ચ બાદ કરતાં બાકીની રકમ પર સારોએવો. ટેક્સ ભરવો પડશે.