અમદાવાદ
આજે હવામાન વિભાગે ગુજરાતના 13 જિલ્લાઓ માટે હિટવેવ એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે વધતા તાપમાનથી લોકો તીવ્ર ગરમી અનુભવી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેશે, જે ગરમીની અસરોને વધુ વધારી શકે છે. આવી પરિસ્થિતિમાં, આજે તેમજ 11 અને 12 માર્ચના રોજ રાજ્યના કયા જિલ્લાઓ માટે હિટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3-4 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના આંતરિક ભાગો અને ઉત્તર ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40-42 0C ની રેન્જમાં રહેવાની સંભાવના છે.
આને કારણે, આ ભાગોમાં ગરમીનું મોજું પ્રવર્તવાની સંભાવના છે. 11 માર્ચના રોજ કચ્છ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, સુરત અને વલસાડમાં હીટવેવ એલર્ટ જ્યારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 12 માર્ચના રોજ વડોદરા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ અને અમરેલીમાં હીટવેવ એલર્ટ જ્યારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.