ઇન્દોર
રવિવારે રાત્રે ઇન્દોર નજીક મહુ (એમપી) માં જ્યારે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતની ઉજવણી દરમિયાન બે જૂથો આમને સામને આવી ગયા ત્યારે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ ગઈ. આ ઘટના જામા મસ્જિદ પાસે બની હતી જ્યાં જુલૂસ કાઢી રહેલા લોકો અને અન્ય પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો. ટૂંક સમયમાં જ અથડામણ પથ્થરમારામાં ફેરવાઈ ગઈ. જેના કારણે વિસ્તારમાં અરાજકતા ફેલાઈ.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે ભારતની જીતની ઉજવણી માટે નીકળેલું સરઘસ મસ્જિદ પાસે પહોંચ્યું, ત્યારે બંને પક્ષો વચ્ચે દલીલ થઈ, જે ટૂંક સમયમાં હિંસક બની ગઈ. બદમાશોએ ઉજવણી કરી રહેલા લોકો પર પથ્થરમારો શરૃ કરી દીધો, જેના કારણે ઘણા લોકો ઘાયલ થયા. પરિસ્થિતિ કાબુ બહાર જતા કેટલાક અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ શરુ કરી દીધી અહેવાલો અનુસાર, બે વાહનો અને બે દુકાનોમાં આગ લાગી હતી.
બીજી તરફ, માહિતી મળતા જ ભારે પોલીસ બંદોબસ્ત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ઇન્દોર ગ્રામીણ અને ઇન્દોર શહેર પોલીસ દળોને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ભીડને વિખેરી નાખી અને વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરી આ ઉપરાંત સેનાના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. જોકે, મહુ એક સૈન્ય છાવણી છે અને અહીં ઘણી સૈન્ય એકમો હંમેશા તૈનાત રહે છે, તેથી આ વિસ્તારમાં અલગથી સૈન્ય બોલાવવાની જરૃર નથી.
મહુ પોલીસ પ્રશાસને જણાવ્યું હતું કે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ સાવચેતી રૃપે આ વિસ્તારમાં વધારાનો પોલીસ દળ તૈનાત કરવામાં આવશે. આ ઘટનામાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે વહીવટીતંત્રે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. ઇન્દોરના કલેકટર આશિષ સિંહે પીટીઆઈને જણાવ્યું હતું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને વિસ્તારમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. આ કેવી રીતે થયું તે પછીથી શોધવામાં આવશે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
તે જ સમયે, સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ ઘટનાને કારણે શહેરના ઘણા વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો અને ઘણા વાહનોમાં આગ લાગી હતી. ન્યૂઝીલેન્ડ સામે ભારતની અંતિમ જીતની ઉજવણી માટે ક્રિકેટ પ્રેમીઓના એક જૂથે એક રેલીનું આયોજન કર્યું હતું. જોકે, જેમ જેમ તેઓ જામા મસ્જિદ વિસ્તારની નજીક પહોંચ્યા, લોકોના મોટા ટોળાએ તેમના પર પથ્થરમારો શરૃ કરી દીધો, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ અને તેમને તેમના મોટરસાયકલ છોડીને ભાગી જવાની ફરજ પડી. આ પછી કેટલાક લોકોએ વાહનોને આગ ચાંપી દીધી, જેનાથી તણાવ વધુ વધી ગયો.