ગુજરાત કોંગ્રેસમાં ગદ્દારો શોધવા રાહુલ ગાંધીએ વધુ દૂર જવાની જરૂર નથી : સી.આર પાટીલ

Spread the love

 

 

અમદાવાદ

ગુજરાત કોંગ્રેસમાં ગદ્દારો શોધવા રાહુલ ગાંધીએ વધુ દૂર જવાની જરૂર નથી અમદાવાદની બે દિવસની મુલાકાતે આવેલા કોંગ્રેસ પાર્ટીના સર્વેસર્વા મનાતા દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના ચુનંદા બે હજાર કાર્યકરોની વચ્ચે કોઈની પણ શેહશરમ રાખ્યા સિવાય નિખાલસપણે સ્વીકાર્યું કે કોંગ્રેસ પાર્ટીમાં કેટલાક ગદ્દારો સામેલ છે. રાહુલનો ઈશારો સ્પષ્ટ હતો.

કોંગ્રેસમાં રહીને ભાજપ માટે કામ કરતા અને સેટિંગ પાર પાડતા નેતાઓથી રાહુલ ગાંધી ખૂબ અપસેટ છે. રાહુલે બે દિવસ દરમિયાન ખાસ્સી શ્રવણ ભક્તિ કરી અને નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને સિનિયર નેતાઓની મનની વાત સાંભળી અને છેલ્લે પોતાનું નિદાન સૌની સામે વ્યક્ત કરતા કહ્યું કે આ ગદ્દારોને પાર્ટીમાંથી હાંકી કાઢવા પડશે. ગાંધીએ એમ પણ કહ્યું કે પાર્ટીમાં બે પ્રકારના ઘોડા છે, એક કેટેગરી રેસના ઘોડા સમાન છે. જ્યારે બીજી કેટેગરી જાનમાં જોતરવામાં શોભાના ગાંઠિયા સમાન છે, જે દોડી શકતા નથી. પરંતુ કમનસીબે પાર્ટીમાં જાનના ઘોડા ચૂંટણી મેદાનમાં ઉતરે છે અને રેસના ઘોડા સાઈડ લાઈન થાય છે. કોંગ્રેસ પાર્ટીમાં ચર્ચા છે કે, 2017માં 77 બેઠક મેળવ્યા બાદ 2022માં માત્ર 17 બેઠક મળી ત્યારે પક્ષમાં આંતરિક ભાંગફોડ કરનારા તત્ત્વોને શોધવાની જવાબદારી મહારાષ્ટ્રના એક દલિત નેતાને સોંપાઈ હતી અને તેમણે સંદિગ્ધ કામગીરી કરનારા નેતાઓના નામ આપી દીધા છે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી બલકે કેટલાકને તો પ્રમોશન મળ્યા છે.

ટૂંકમાં પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ કહે છે કે, રાહુલજીનું નિદાન સાચું છે પણ ઉપચાર ક્યારે? ગદ્દારો કોણ છે એ તો પાર્ટીમાં સૌને ખબર જ છે. જો રાહુલ ગાંધીએ આ વાતને ગંભીરતાથી લીધી હોય તો પ્રદેશ કોંગ્રેસમાં ધરખમ ફેરફાર આવશે અન્યથા ઘીના ઠામ ઘી પડશે. હવે પ્રદેશ પ્રમુખ માટે કોની પસંદગી થશે તેને લઇને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્તેજના ભારતીય જનતા પાર્ટીના ૩૫ જિલ્લા, મહાનગરોના પ્રમુખોની એક સાથે યાદી જાહેર થઇ ગયા પછી હવે પ્રદેશ પ્રમુખ માટે કોની પસંદગી થશે તેને લઇને કાર્યકરોમાં ભારે ઉત્તેજના છે. આ નામની પસંદગી પર આખરી મત્તુ મારનાર રાષ્ટ્રીય નેતૃત્વ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સપ્તાહમાં બે વખત ગુજરાતના ચાર દિવસના પ્રવાસે આવી ગયા અને ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ પણ ગુજરાતમાં છે. આ જ રીતે પ્રમુખ માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે જેમની વરણી થઇ છે એવા પૂર્વ ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ અમદાવાદમાં આંટો મારી ગયા છે. યાદવે વડાપ્રધાન સાથે પ્રવાસમાં સામેલ થતાં પહેલાં અમદાવાદ આવીને હેડગેવાર ભવનની સૂચક મુલાકાત લીધી હતી. ત્યારે એમની સાથે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પણ સાથે હતા.

આમ, મોટાભાગે પ્રમુખપદ માટે કોણ કોણ યોગ્ય હોઇ શકે તેની પ્રાથમિક ચર્ચા તો થઇ ચૂકી છે. પ્રમુખ પદે સી.આર. પાટીલે જે બેંચમાર્ચ રચ્યા છે અને હવે કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં જે પડકારો ઊભા કરવા કમર કસી છે ત્યારે પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવે છે એ મહત્વનું છે. અત્યાર સુધી ઓબીસી ચહેરા તરીકે ગાંધીનગર લોકસભા પ્રભારી મયંક નાયક, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નામો તો ચર્ચામાં આવી ચૂક્યા છે. મધ્ય ગુજરાતમાંથી ક્યારેય કોઇ પ્રમુખ બની શક્યા નથી, મંત્રીપદમાં પણ બહુ વજન મળ્યુ નથી ત્યારે અહીંથી અર્જુનસિંહ ચૌહાણ જેવા ચહેરાની પણ ચર્ચા ઊઠી હતી. ચૌહાણ આમ તો સંઘ સાથે સીધા સંકળાયેલા છે અને સંઘના અભિપ્રાય પણ એમના માટે હકારાત્મક રહ્યો હોવાની ચર્ચા છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે પક્ષ આ વખતે ઘણી ગણતરીઓ ધ્યાને રાખી રહ્યો છે ત્યારે સામાજિક પરિબળને ઓછું મહત્વ આપી શકે છે. પક્ષને આગામી વર્ષના આરંભમાં જ મિનિ વિધાનસભા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો પડકારનો સામનો કરવાનો છે ત્યારે એવ ચહેરો પસંદ કરાઇ શકે છે જે સમાજના તમામ વર્ગને સાથે રાખીને સૌથી વધુ મજબૂત નેટવર્ક ધરાવતો હોય, જેમાં સંગઠનને એક રાખી લક્ષ્યાંકો પાર પાડવાની કુનેહશક્તિ હોય. ત્યારે જોવાનુ એ રહે છે કે હોળાષ્ટક પછી કોના પર પસંદગી ઉતરે છે.

વડાપ્રધાન મોદીની દક્ષિણ ગુજરાતની બે દિવસની મુલાકાતે સીઆર પાટીલનું રાજકીય કદ વધાર્યુ છે સાતમી અને આઠમી માર્ચના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ગુજરાતની બે દિવસની મુલાકાત કરી હતી. સુરત અને નવસારીમાં તેમણે બે મોટી જાહેરસભાઓને સંબોધી હતી. મહિલાઓ માટે રાજ્ય સરકારની બે યોજનાઓ અને કેન્દ્રની અન્ન સુરક્ષા યોજનાનું વિસ્તૃતિકરણ પણ આ કાર્યક્રમો મારફતે જ કરાયું હતું. બંને મોટા કાર્યક્રમનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના લોકસભા મતવિસ્તારમાં આયોજન કરાયું હતું. કાર્યક્રમની સફળતા આંખે ઉડીને વળગે તેવી હતી, એટલું જ નહીં બંને કાર્યક્રમમાં સંબોધન વખતે પીએમ મોદીએ સી.આર પાટીલનો તેમના મંત્રાલયના કેચ ધ રેઇન અને હર ઘર જળ અભિયાનનો વિશેષ ઉલ્લેખ પણ કર્યો હતો. વડાપ્રધાનના આ કાર્યક્રમોએ સી આર પાટીલનું પ્રદેશ અને કેન્દ્રીય રાજકારણમાં રાજકીય કદ વધાર્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *