વડોદરા
વડોદરા શહેરના છાણી ગામથી છાણી જકાતનાકા તરફ 12 માર્ચની મોડી રાત્રે ચાલુ કારમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગ અંગેની જાણ થતા જ ચાલકે સમય સૂચકતા વાપરી કારમાંથી ઉતરી બોનેટ ખોલી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ ન ઓલવાતા ફાયર અને પોલીસને જાણ કરી હતી. આ ઘટનામાં કારચાલકની આંગળી બળી ગઈ હતી. ફાયરની ટીમે તુરંત સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગમાં કાર ભસ્મીભૂત થઈ ગઈ હતી. નોંધનીય છે કે, કારચાલકે CNG કનેક્શન બંધ કરી દેતા મોટી જાનહાની ટળી હતી. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા રાજુભાઈ માત્રાણીયા ગત મોડી રાત્રે છાણી રામાકાકાની ડેરીથી પોતાના ઘર તરફ પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન છાણી કેનાલ પાસે સીએનજી કારના બોનેટમાંથી અચાનક જ ધુમાડો નીકળતા તેઓએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક કારમાંથી ઉતરી ગયા હતાં. બોનેટ ખોલી જોતા સ્પાર્ક થતું હોવાનું માલુમ પડતાં તેઓએ તાત્કાલિક સીએનજી કનેક્શન બંધ કર્યું હતું અને આગ ઓલવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. બાદમાં તેઓએ વડોદરા ફાયર વિભાગને જાણ કરી હતી.
ત્યારબાદ કાર માલિકે આ અંગેની જાણ પોલીસને પણ કરી હતી. ફાયર વિભાગના કંટ્રોલમાંથી છાણી ટીપી 13 ફાયર સ્ટેશનને કોલ આપતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં ચાલકનો આબાદ બચાવ થયો છે. સાથે આ કારનું CNG કનેક્શન તાત્કાલિક બંધ કરતા મોટી દુર્ઘટના ટળી છે. આ બનાવ અંગે કાર માલિકની સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, હું છાણીથી ગોરવા જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક કારના બોનેટમાંથી ધુમાડો નીકળતા મેં કારને સાઈડમાં ઉભી રાખી તાત્કાલિક બોનેટ ખોલી જોતા અંદર આગ લાગી હતી. સૌપ્રથમ મેં સીએનજી કનેક્શન બંધ કર્યું હતું. બાદમાં અંદર વાયરમાં સ્પાર્ક થતા મેં આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં વાયર મારા હાથ પર અડકતા આંગળી બળી ગઈ છે. આગ ન બુજાતા આખરે ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. કાર વર્ષ 2004ની છે, જેના તમામ દસ્તાવેજ હતા, પરંતુ ઇન્સ્યોરન્સ નહોંતો. કાર બળી ગઈ હવે શું કરવાનું!