સાન ફ્રાન્સિસ્કો
વિશ્વભરના દેશોમાં અલગ-અલગ પ્રકારના કાયદાઓ અમલમાં છે, જે તે દેશની વ્યવસ્થા જાળવવા અને નિયંત્રણ માટે ઘડવામાં આવ્યા છે. આ કાયદાઓ સમાજને સુરક્ષિત અને સુચારુ રાખવાનું કામ કરે છે, પરંતુ કેટલાક દેશોમાં એવા અજીબોગરીબ નિયમો પણ અસ્તિત્વમાં છે કે જેના વિશે સાંભળીને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય. આજે અમે તમને એક એવા દેશના અનોખા કાયદા વિશે જણાવીશું જે સાંભળીને તમને હસવું પણ આવશે અને આશ્ચર્ય પણ થશે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલું સાન ફ્રાન્સિસ્કો શહેર એક અજબ નિયમ માટે પ્રખ્યાત છે. અહીં જો તમે તમારા જૂના અન્ડરવેરનો ઉપયોગ કાર સાફ કરવા માટે કરશો, તો તે ગેરકાયદેસર ગણાશે. ભારતમાં સામાન્ય રીતે જ્યારે કપડાં, ચાદર કે અન્ડરવેર જૂનાં થઈ જાય કે ફાટી જાય, ત્યારે લોકો તેનો ઉપયોગ ઘરની સફાઈ કે વાહનો લૂછવા માટે કરે છે. પરંતુ સાન ફ્રાન્સિસ્કોમાં આવું કરવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, કારણ કે આ કૃત્ય માટે તમને દંડ કે સજાનો ભોગ બનવું પડી શકે છે.આ વિચિત્ર નિયમ સાન ફ્રાન્સિસ્કોના કાયદાની કલમ 694 હેઠળ આવે છે, જે ખાસ કરીને સફાઈ માટે વપરાતા કપડાં સંબંધિત છે. આ કલમ અનુસાર, કોઈપણ વ્યક્તિ, કંપની કે સંસ્થા દ્વારા જૂનાં કપડાં, પથારી, ચાદર કે તેના કોઈ ભાગને સફાઈના પોતા તરીકે વેચવું કે ઉપયોગમાં લેવું ગેરકાયદેસર છે. આવા કપડાંનો ઉપયોગ ત્યારે જ કરી શકાય, જ્યારે તેને ઓછામાં ઓછા 5 ટકા કોસ્ટિક સોડાવાળા પાણીમાં 40 મિનિટ સુધી ઉકાળીને જંતુમુક્ત કરવામાં આવે, તો જ તેનો ઉપયોગ માન્ય ગણાય છે. આ શરત વિના, જો તમે જૂના અન્ડરવેરથી કાર સાફ કરતા પકડાશો, તો તમારે કાયદેસર પરિણામ ભોગવવા પડશે.સાન ફ્રાન્સિસ્કોનો આ કાયદો માત્ર કાર સાફ કરવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ ત્યાં બીજા પણ ઘણા એવા નિયમો છે જે સાંભળવામાં અજીબ લાગે છે. આવા કાયદાઓ પાછળ સ્વચ્છતા, જાહેર આરોગ્ય કે સામાજિક નૈતિકતાને જાળવવાનો હેતુ હોઈ શકે છે. જોકે, આજના આધુનિક સમયમાં આવા નિયમો ઘણાને હાસ્યાસ્પદ લાગે છે. વિશ્વના ખૂણે ખૂણે આવા વિચિત્ર કાયદાઓ અસ્તિત્વમાં છે. જે દેશની સંસ્કૃતિ અને ઇતિહાસની ઝલક આપે છે. સાન ફ્રાન્સિસ્કોનો આ નિયમ એક ઉદાહરણ છે કે કેવી રીતે સામાન્ય દેખાતી બાબતોને પણ કાયદાના દાયરામાં લાવવામાં આવે છે.