હરદોઈ
જનતા દરબારમાં પોતાની ફરિયાદ લઈને પહોંચેલા 94 વર્ષના વૃદ્ધને જોઈ કલેક્ટર ઓફિસમાં બેઠેલા કલેક્ટર સાહેબ મંગલા પ્રસાદે પોતાની ખુરશી છોડી ઊભા થઈ ગયા અને તેમની પાસે જઈ અહીં આવવાનું કારણ પૂછ્યું. તેના પર વૃદ્ધે જણાવ્યું કે, “આ અગાઉ બે વાર તેઓ પોતાની ફરિયાદ લઈને આવ્યા હતા, પણ તેમની સુનાવણી થઈ નહીં.” આ મામલાની જાણકારી લઈને 94 વર્ષિય વૃદ્ધની ફરિયાદ પર કલેક્ટર મંગલા પ્રસાદે તાત્કાલિક એક્શન લેતા બેજવાબદાર એકાઉન્ટન્ટ અને રેવન્યુ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધા. આ કેસ જમીન વિવાદનો હતો. જેમાં વૃદ્ધ શિવકરણ દ્વિવેદીએ બે વાર ફરિયાદ કરી છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. જનતા દરબાર દરમ્યાન ડીએમ મંગલા પ્રસાદ સામે આવેલા શિવકરણ દ્વિવેદીએ જણાવ્યું કે, “ગામના અમુક દબંગોએ તેમના ખેતર પર ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો છે.” તેમણે જણાવ્યું કે, “આ અગાઉ 31 ડિસેમ્બર અને 23 જાન્યુઆરીએ પણ તેઓ ફરિયાદ લઈને અહીં આવ્યા હતા, પણ અહીંના અધિકારીઓએ તેમની વાત પર કોઈ કાર્યવાહી કરી નહીં.” વૃદ્ધ શિવકરને જણાવ્યું કે, “તેમને દબંગો હેરાન કરી રહ્યા છે, તો વળી એકાઉન્ટન્ટ પણ કોઈ કાર્યવાહી કરતા નથી.” તેમણે દસ્તાવેજ બતાવી આખી કહાની સંભળાવી. મામલાને ગંભીરતા લેતા ડીએમ મંગલા પ્રસાદે તરત એસડીએમ બિલગ્રામ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંપર્ક કર્યો અને ફરિયાદની જાણકારી આપતા આખા કેસમાં તપાસના આદેશ આપ્યા. તપાસમાં એકાઉન્ટન્ટ અને રેવન્યુ ઇન્સ્પેક્ટરને લાપરવાહી બદલ કલેક્ટરે તાત્કાલિક સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા. સાથે જ નાયબ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને ઉપ જિલ્લા અધિકારીને પણ નિર્દેશ આપી દીધા. કલેક્ટર એ વાતથી નારાજ થયા કે, બે-બે વાર ફરિયાદ કરવા છતાં વૃદ્ધના કેસમાં કોઈ સુનાવણી થઈ નહીં અને વૃદ્ધને હેરાન થવું પડ્યું.