છેલ્લા થોડા દિવસોમાં સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લીધે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે ટૂંક સમયમાં 1 લાખ રૂપિયા સુધી પહોંચી જશે. દેશના વાયદા બજાર અને સોનાના બજારમાં પણ તેની અસર જોવા મળી છે. દેશમાં વાયદા બજારમાં સોનાની કિંમત 91,400 રૂપિયા પાર પહોંચી ગઈ છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ સ્તર છે.
બીજી તરફ એક એવો અંદાજ પણ સામે આવ્યો છે, જેને કારણે સોનાના બજારમાં ખળભળાટ મચી ગયો છે. એક અનુમાન પ્રમાણે, સોનાના ભાવ 1 લાખ સુધી પહોંચવાને બદલે ગગડીને 55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. તેનો અર્થ એ છે કે સોનાના ભાવ પોતાના પીકથી લગભગ 40% નીચે આવી શકે.
આ અંદાજ કોણે લગાવ્યો છે?
આ આગાહી અમેરિકાની જાણીતી સંસ્થા મોર્નિંગસ્ટારના વિશ્લેષક જૉન મિલ્સે કરી છે. તેઓના જણાવ્યા પ્રમાણે, આગામી વર્ષોમાં સોનાના ભાવમાં આશરે 38% સુધી ધટાવાની સંભાવના છે. હાલમાં 24 કેરેટ સોનું ભારતીય બજારમાં 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને વૈશ્વિક બજારમાં 3,100 ડોલર પ્રતિ ઔંસ ઉપર વેચાઈ રહ્યું છે. જો 40% ઘટાડો થાય તો ભારતમાં તેનો ભાવ 55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે.
સોનાના ભાવમાં ઘટાડા પાછળના કારણો:
ઉત્પાદનમાં વધારો: 2024ની બીજા ત્રિમાસિક ગાળામાં સોનાની ખાણોનો પ્રોફિટ 950 ડોલર પ્રતિ ઔંસ થયો છે. વૈશ્વિક સોનું રિઝર્વ 9% વધીને 2,16,265 ટન થયું છે. ઑસ્ટ્રેલિયાએ સોનાના ઉત્પાદનમાં વધારો કર્યો છે અને રીસાયકલ્ડ સોનાની સપ્લાય પણ વધી રહી છે.
માગમાં ઘટાડો: 2023માં કેન્દ્રીય બેંકોએ 1,045 ટન સોનું ખરીદ્યું હતું, પરંતુ 71% કેન્દ્રીય બેંકો એ કહ્યું છે કે તેઓ આગામી સમયમાં સોનાના સંગ્રહમાં ઘટાડો કરશે અથવા હાલની સ્થિતિ જાળવી રાખશે.
બજારમાં સંતૃપ્તિ : 2024માં સોનાના ક્ષેત્રમાં મર્જર અને એક્વિઝિશન 32% વધ્યું છે, જે બજારનાં ટોચના સ્તરે હોવાની સંભાવના દર્શાવે છે.
સોનાના ETFમાં જે વધારો થયો છે તે અગાઉના ભાવ ઘટાડાના પેટર્ન સાથે મળે છે, જેના કારણે ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. પરંતુ કેટલીક મોટી ફાઈનાન્સિયલ સંસ્થાઓ હજુ પણ સોનાના ભાવ વધશે એવી ધારણા રાખે છે.
બેંક ઑફ અમેરિકાનું અનુમાન છે કે સોનું આગામી બે વર્ષમાં 3,500 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે. ગોલ્ડમેન સૅક્સ મુજબ, સોનાની કિંમત વર્ષના અંત સુધીમાં 3,300 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે.
હાલની સોનાની કિંમતો અને તાજેતરનો ઘટાડો
ગુરુવારે, ભારતીય વાયદા બજારમાં સોનાના ભાવ 90,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા. જો કે, સત્ર દરમિયાન તે 91,423 રૂપિયા સુધી પહોંચી ગયું હતું. એટલે કે, ભાવ તેમના પીક પોઈન્ટથી લગભગ 1,000 રૂપિયા નીચા આવી ગયા છે.
ટ્રમ્પના ટેરિફથી સોનામાં આગ ઝરતી તેજી, બનાવ્યો નવો રેકોર્ડ, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
આગામી દિવસોમાં સોનાના ભાવકઈ તરફ જશે તે જોવું રસપ્રદ રહેશે!
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)