વકફ બિલ પર પરની ચર્ચામાં વિપક્ષના સભ્યોએ સરકાર પર પ્રહાર કર્યા પછી તેનો વળતો જવાબ આપતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે સરકારો ઇરાદો ધાર્મિક બાબતોમાં દખલ કરવાનો નથી અને સરકાર માત્ર વકફ મિલકતોમાં પારદર્શક વહીવટ લાવવા માગે છે. અમિત શાહે નવા કાયદા સામે મુસ્લિમોની ભડકાવવા સામે વિપક્ષને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે આ બિલની જોગવાઈઓ અંગે વિપક્ષ મુસ્લિમોમાં ભય ફેલાવી રહ્યો છે અને વોટબેન્ક ઊભી કરી રહ્યો છે.
લઘુમતીઓ આ કાયદાનો સ્વીકાર કરશે નહીં તેવા વિપક્ષના એક સાંસદના નિવેદનનો ઉલ્લેખ કરીને અમિત શાહે જણાવ્યું હતું કે આ ભારત સરકાર અને સંસદનો કાયદો છે. દરેકે તેનું પાલન કરવું પડશે. સરકાર વકફ, મુસ્લિમોના ધર્માદાની બાબતોમાં કોઇ હસ્તક્ષેપ કરવા માગતી નથી. કાઉન્સિલ અને બોર્ડ મિલકતોના સંચાલનનો હેતુ ધરાવે છે, જેથી ખાતરી કરી શકાય કે તેનો ઉપયોગ તેમના દાન પાછળ જણાવેલ ઉદ્દેશ્યો અનુસાર થાય.
કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે તૃષ્ટીકરણની રાજનીતિ માટે 2013માં આ કાયદામાં ઘણા સુધારા કર્યા હોવાનો આક્ષેપ કરી ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસે સુધારા ન કર્યા હોત તો સરકારે આ બિલ લાવવું પડ્યું ન હોત. દેશભરમાંથી વિવિધ રાજ્ય વકફ બોર્ડે અનેક મિલકતો પર દાવા કર્યા છે. વકફના સંચાલનમાં સામેલ લોકોએ વ્યક્તિગત લાભ લીધો છે અને મુસ્લિમ સમુદાય માટે કંઇ કર્યું નથી. નવો કાયદો આવા લોકોને ઝડપી લેશે અને બહાર ફેંકી દેશે. આ પૈસા ગરીબ મુસ્લિમોના છે, ગણ્યાગાંઠ્યા ધનિકોના નહીં.
ઉગ્ર ચર્ચા વચ્ચે અખિલેશ યાદવ અને અમિત શાહ વચ્ચે હળવી મજાક મસ્તી
વકફ બિલની પરની ઉગ્ર ચર્ચા દરમિયાન લોકસભામાં થોડી મજાક મસ્તી પણ થઈ હતી. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે બુધવારે ભાજપ પર કટાક્ષ કર્યો હતો કે ભાજપ ભારતમાં સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરે છે, પરંતુ તેને હજુ સુધી પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે નિર્ણય કેમ કર્યો નથી. જોકે વળતો જવાબ આપતા ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ભાજપ પરિવારવાદી પક્ષ નથી તેથી આવા નિર્ણયો લેવામાં સમય લાગે છે.