ટ્રમ્પના ટેરિફના લીધે ચીન હચમચી ગયું…. ટ્રમ્પે ચીન પર લાદી 54 ટકા ટેરિફ, ચીને આપી ચીમકી

Spread the love

 

બેઈજિંગ,

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે વિવિધ દેશો પર ટેરિફ લાદવાની ઘોષણા કરી હતી. જેમાં તેમણે ચીન પર 34 ટકા ટેરિફ લાદી છે, જે ફેબ્રુઆરીની સાથે કુલ થઇને 54 ટકા ટેરિફ થાય છે. ટ્રમ્પે ચૂંટણી સમયે ચીન પર 60 ટકા ટેરિફ લાદવાનું વચન આપ્યું હતું તેની નજીક તે પહોંચી ગયા છે. તેની સામે ચીન હાલમાં અમેરિકન પ્રોડકટ્સ પર 67 ટકા વેરો વસૂલે છે તેવો ટ્રમ્પનો દાવો છે.  ચીને જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા થતી તેની 438 અબજ ડોલરની આયાત પર લગાવવામાં આવેલા 34 ટકા ટેરિફનો તે ચોક્કસપણે વળતો જવાબ આપશે. જો કે તેણે અમેરિકા સાથે ડીલ કરવાનો માર્ગ ખુલ્લો રાખ્યો છે.

અમેરિકા સાથે ભાવિ વેપાર મંત્રણા અને ટેરિફના પગલા અંગે મંત્રાલયે જણાવ્યું હતું કે ચીન અને અમેરિકાએ વેપારના મુદ્દે તેમની બાબતોને લઈને એકબીજા સાથે સંવાદ સાધવાની જરૂર છે. બંને દેશો સંવાદ દ્વારા જ તેમને નડતા વેપાર અવરોધોનો ઉકેલ લાવી શકશે. ચીન અને અમેરિકા વચ્ચેનો વેપાર લગભગ 600 અબજ ડોલરનો છે. તેમા અમેરિકા ચીનમાં લગભગ 142 અબજ ડોલરની નિકાસ કરે છે અને ચીન અમેરિકામાં 438 અબજ ડોલરની નિકાસ કરે છે. આમ ચીન અમેરિકા સાથેના વેપારમાં 438 અબજ ડોલરની સરપ્લસ ધરાવે છે. ચીનનો દાવો છે કે અમેરિકાએ લાદેલો ટેરિફ ડબલ્યુટીઓના નિયમનો ભંગ છે. આ ટેરિફ નિયમ આધારિત બહુઆયામી વેપાર પ્રણાલિનો ભંગ કરે છે.

ચીન તેના અધિકારો અને હિતોનું રક્ષણ કરવા માટે યોગ્ય પગલાં લેશે. ચીને જણાવ્યું હતું કે ટ્રેડ વોરથી અમેરિકા કે ચીન બંનેમાંથી કોઈનેય ફાયદો થવાનો નથી. જો કે ટ્રમ્પે એક વાત જણાવી છે કે જો બીજિંગ બાઇટડાન્સના શોર્ટ વિડીયો એપ ટિક-ટોકના અમેરિકન ખરીદદારની તરફેણમાં હિસ્સો વેચે તો તેઓ ટેરિફ ઘટાડવા વિચારી શકે છે. ચીને અગાઉ ટ્રમ્પે નાખેલા ટેરિફનો વળતો જવાબ આપતા અમેરિકન માલસામગ્રી પર 15 ટકા વેરો નાખ્યો હતો અને અમેરિકાને ડબલ્યુટીઓમાં લઈ જવાની ચેતવણી આપી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *