Ahmedabad AC gas cylinder blast: ઘરમાં રાખેલા ACના ગેસના બાટલા ફાટ્યા: માતા-પુત્રના ઘટનાસ્થળે મોત, સોસાયટી અને AMCની બેદરકારી સામે આવી.
Ahmedabad AC gas cylinder blast: અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી જ્ઞાનદા સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં રાખેલા મોટા પ્રમાણમાં એસીના ગેસના બાટલાઓમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
ધડાધડ બ્લાસ્ટ થતા આખી સોસાયટી દોડી આવી. આ દુર્ઘટનામાં સરસ્વતીબેન અને તેમના પુત્ર સૌમ્યનું ઘટના સ્થળે જ મોત થયું છે.
આ મકાનનો ઉપયોગ રહેણાંકના બદલે ગોડાઉન તરીકે થતો હતો અને આ મુદ્દે સોસાયટીના હોદેદારો દ્વારા એક વર્ષ અગાઉ નોટિસ આપી હતી. તેમ છતાં ન તો મકાનમાલિકે ગેરકાયદે પ્રવૃતિ બંધ કરી અને ન જ AMC દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા.
વિસ્ફોટના કારણે સોસાયટીમાં દહેશત
પ્રાપ્ત વિગતો અનુસાર, આગ લાગવાના કારણોસર ઘરમાં રહેલા નાના એસી ગેસના બાટલાઓમાં ધડાધડ વિસ્ફોટ થયા હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે નજીકના અન્ય મકાનો અને પાર્ક કરેલા વાહનો પણ તેની ચપેટમાં આવી ગયા. આસપાસના મકાનોના કાચ તૂટી પડ્યા અને 10 જેટલી કાર અને બાઈક પણ બળીને ખાખ થઈ.
માતા અને પુત્રના મોતથી શોક
આ દુર્ઘટનામાં ઘરમા જ હાજર માતા સરસ્વતીબેન અને પુત્ર સૌમ્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. ઘટના બાદ સ્થાનિક લોકોને બચાવવા ફાયર બ્રિગેડની ટીમોએ સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો.
સોસાયટી દ્વારા નોટિસ છતાં માલિકનો અવગણના
જ્ઞાનદા સોસાયટીના હોદેદારોએ જ મકાનમાલિક જગદીશભાઈ મેઘાણી સામે નોટિસ આપી હતી કે તેઓ તેમના મકાનમાં મોટી સંખ્યામાં ગેસના બાટલાઓ સ્ટોર કરે છે, જે રહેવાસીઓ માટે જોખમી છે. સાથે જ AMCને પણ જાણ કરવામાં આવી હતી. તેમ છતાં, કોઈ કાર્યવાહી થઈ નહોતી અને આજે આ ગંભીર ઘટનાએ બે જીવ લઈ લીધા.
કોર્પોરેશન સામે બેદરકારીના આરોપ
સોસાયટીના હોદેદારોએ AMCના દક્ષિણ પશ્ચિમ ઝોનના અધિકારીઓને પત્ર લખી વિનંતી કરી હતી કે મકાનમાં અનિધિકૃત રીતે સામાન રાખવામાં આવી રહ્યો છે. છતાં કોઇ ચેકિંગ કે કાર્યવાહી ન થતાં આખરે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે.
મેયર અને ધારાસભ્યનો પ્રતિસાદ
ઘટનાની જાણ થતાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મેયરે કહ્યું કે, “આગ કેવી રીતે લાગી અને કોણ જવાબદાર છે તેની સંપૂર્ણ તપાસ કરાશે. બેદરકાર લોકો સામે કડક પગલાં લેવાશે.”
2000થી વધુ ગેસના બાટલાઓ રાખવામાં આવ્યા હતા
મકાનમાલિકના ઘરમાં અંદાજે 2000 નાના ગેસના બાટલાઓ અને કોપરના વાયરનો સંગ્રહ હતો. આ ઘરમાંથી વિસ્ફોટ થયા હોવાનું અનુમાન છે. પોલીસે ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.