રાજકોટમાં મધરાત્રે દરગાહ અને બે મંદિરનું ડિમોલિશન

Spread the love

 

 

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા ગત રાત્રે બે વાગ્યે રૈયાધાર મેઇન રોડ વિસ્તારમાં આવેલી ગેબનશાહ પીરની દરગાહ અને હનુમાન દાદાના બે મંદિર સહિત કુલ ત્રણ ધાર્મિક દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જાહેર માર્ગો ઉપરના ધાર્મિક દબાણો દૂર કરવા મામલે થોડા સમય પૂર્વે સુપ્રીમ કોર્ટએ આદેશ જારી કર્યો હતો જે અન્વયે ટીપી બ્રાન્ચ દ્વારા રાજકોટ શહેરમાં ધાર્મિક દબાણોનો સર્વે કરવામાં આવ્યો હતો અને તે સર્વે અંતર્ગત ઉપરોક્ત ત્રણ ધાર્મિક દબાણો ધ્યાને આવતા તેમને નોટિસ અપાઇ હતી પરંતુ સમયમર્યાદામાં દબાણ દૂર નહીં કરાતા અંતે મધરાત્રે પ૦થી પોલીસમેનના ચુસ્ત બંદોબસ્ત સાથે ટાઉન પ્લાનિગ બ્રાન્ય બુલડોઝર સાથે ત્રાટકી હતી અને ગણતરીની મિનિટોમાં ત્રણેય ધાર્મિક દબાણો જમીનદોસ્ત કરી નાખ્યા હતા.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે (૧) વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧માં ટી.પી.સ્કિમ નં.૩૩ રૈયા ડ્રાફટના ૨૪ મીટરનો રોડ કે જે રૈયાધાર મેઇન રોડ તરીકે ઓળખાય છે ત્યાં આગળ એટલાન્ટિસ હિલ બિલ્ડીંગની બાજુમાં આવી ગેબનશાહ પીરની દરગાહનું ૧૦ ચોરસ મીટરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. તદઉપરાંત (૨) રૈયા ટીપી સ્કિમ નં.૬ આખરીના ૨૪ મીટરના ટીપી રોડ ઉપર થી રોકડીયા હનુમાનજી મંદિરનું ત્રણ ચોરસ મીટર જમીન ઉપરનું દબાણ તેમજ (૩) રૈયા ટીપી સ્કિમ નં.૬ (આખરી)માં ૧૨ મીટરના ટીપી રોડ કે જે રૈયાધાર મેઇન રોડ ઉપર ધરમનગર મેઇન રોડના ખૂણે આવેલ છે ત્યાં આગળથી ઉપર હનુમાન દાદાની ડેરીનું છ ચોરસ મીટર જમીન ઉપરનું દબાણ દૂર કરાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે મધરાત્રે ધાર્મિક દબાણો દૂર કરવા કાર્યવાહી થતા અમુક શ્રદ્ધાળુઓ સ્થળ ઉપર ધસી આવ્યા હતા પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત હોય કોઇ અનિચ્છનીય ઘટના બની ન હતી અને શાંતિપૂર્ણ રીતે ડિમોલિશન સંપન્ન થયું હતું.  ડિમોલિશનને લઇ ડીસીપી અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત રહ્યો રાજકોટના રૈયાધાર વિસ્તારમાં મોડી રાત્રીના આરએમસી દ્વારા અહીં ગેરકાયદે બે ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કરી દેવામાં આવ્યું હતું. ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કરવાનું હોય સ્થિતિ તંગ ન બને તે માટે મોડી રાત્રીના અહીં મોટી  સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત રહ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ પણ બનાવસ્થળ પર હાજર રહ્યા હતાં. રૈયાધાર વિસ્તારમાં રાત્રીના હિન્દુ-મુસ્લિમના ધાર્મિક સ્થળ પર ડિમોલિશનને લઇ તંગદિલી ન ફેલાઇ કે કોઇ ઘર્ષણ ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો. ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇ, યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ એન.પટેલ સહિતના પોલીસ અધિકારી અને ૫૦ થી પોલીસ જવાનો તૈનાત રહ્યા હતાં.

વર્ષ-૨૦૧૫માં આજથી દાયકા પૂર્વે રૈયાધાર પીપીપી આવાસ યોજના નિર્માણ માટે ત્યાંની ઝુંપડપટ્ટીનું મેગા ડિમોલિશન કરાયું હતું તે વેળાએ ઉપરોક્ત રોડ ઉપરના ધાર્મિક દબાણો ધ્યાને આવતા નોટિસ અપાઇ હતી પરંતુ ત્યારબાદ કોઇ કાર્યવાહી કરાઇ ન હતી તેમ સૂત્રોએ જણાવ્યું હતું.  તાજેતરમાં સુપ્રીમ કોર્ટએ જાહેર માર્ગો ઉપરના ધાર્મિક દબાણો દૂર કરવા માટે આદેશ કર્યો હતો જે અન્વયે અંદાજે દોઢેક વર્ષ પૂર્વે રાજકોટ મહાનગરપાલિકાની ટીપી બ્રાન્ચ દ્વારા મુખ્ય માર્ગો ઉપરના ધાર્મિક દબાણોનો સર્વે કરાયો હતો ત્યારે રૈયાધાર રોડના ઉપરોક્ત ધાર્મિક દબાણો ફરી ધ્યાને આવતા ફરી નોટિસ અપાઇ હતી. રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે અન્ય ગેરકાયદે બાંધકામ કે દબાણો મામલે અપાતી નોટિસમાં ખુલાસો રજૂ કરવા કે જાતે જ દબાણ દૂર કરવા સમય અપાતો હોય છે પરંતુ જાહેરમાર્ગો ઉપરના દબાણ દૂર કરવા માટે કોઇ મુદત આપવાની હોતી નથી.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *