બાળકોને ગેમ, સોંગ, કાર્ટૂન જોવા માટે મોબાઈલ ફોન પકડાવી ગેતાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના કડોદરા મગોબ ખાતે આવેલી પ્રિયંક ઈન્ટરસિટીમાં રહેતાં યાદવ પરિવારના 8 વર્ષીય પુત્રને માતાએ ગેમ રમવા માટે મોબાઈલ આપવાનો ઈન્કાર કર્યો હતો. જેને પગલે રિસાઈ ગયેલો કિશોર રમવા માટે બહાર ગયા બાદ ચાલ્યો ગયો હતો. પરિવારજનોએ પૂણા પોલીસને જાણ કરતાં તેમણે વાયરલેસ મેસેજ છોડ્યો હતો. આ મેસેજના આધારે કામરેજ પોલીસને આ કિશોર મળી આવતાં પરિવારને સોંપવામાં આવ્યો હતો.
કડોદરા-મગોબ ખાતે આવેલી પ્રિયંક ઈન્ટરસિટીમાં રહેતાં સંજયભાઈ યાદવ છૂટક મજૂરીકામ કરે છે. તેમને સંતાનમાં પાંચ પુત્રો છે. દરમિયાન ગતરોજ તેમના રોકી નામના આઠ વર્ષીય પુત્રે શાળામાં રજા હોવાથી ઘરે હતો. ત્યારે માતા પાસે ગેમ રમવા માટે મોબાઈલ માગ્યો હતો. પરંતુ માતાએ મોબાઈલ આપવાનો ઈન્કાર કરતાં તે રિસાઈ ગયો હતો. ત્યારબાદ રોકી રમવા માટે બહાર ગયો હતો. સાંજે 4 વાગ્યા સુધી તે ઘરે ન આવતાં માતાએ તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ પુત્રનો ક્યાંય પત્તો મળ્યો ન હતો.
અંતે યાદવ પરિવારે પૂણા પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ સાથે કિશોર સંબંધે વાયરલેસ મેસેજ પણ છોડ્યો હતો. આ મેસેજના આધારે કામરેજ પોલીસને પૂણા પોલીસે જણાવેલ વર્ણનવાળો કિશોર મળી આવતાં બાળકને માતાપિતાને સોંપ્યો હતો.