રાજ્યભરમાં વિવિધ શહેરોમાં પણ ‘નેશનલ ફાયર ડે’ ઉજવવામાં આવશે
ગુજરાત સહિત દેશભરમાં દર વર્ષે ૧૪ એપ્રિલે ‘નેશનલ ફાયર ડે’તરીકે ઉજવવામાં આવે છે.આ વર્ષે આવતીકાલે ગુજરાતમાં
રાજ્યકક્ષાના’નેશનલ ફાયર ડે’ની ઉજવણી SOU-એકતાનગર ખાતે કરવામાં આવશે. આ વખતે ફાયર સર્વિસ ડે ૨૦૨૫ની થીમ ‘Unite to ignite, a Fire Safe India’નક્કી કરવામાં આવી છે.
ગુજરાતમાં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ મહાનગર પાલિકા અને નગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ હસ્તક છે. રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૫-૨૬ ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે રાજ્યકક્ષાનાં એક કાર્યક્રમનું આયોજન એકતા નગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવી રહ્યું છે. આ સિવાય દરેક શહેરી વિસ્તારમાં ફાયર સર્વિસ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાદ આખું અઠવાડિયું વિવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવનાર છે.
ગુજરાત રાજ્યનાં વિકાસની સાથે સાથે અગ્નિ શમન અને બચાવની જવાબદારી પણ એટલી જ વધી છે. રાજ્યનાં શહેરી વિકાસ વિભાગ અને ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓનાં માર્ગદર્શન નીચે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ કોઈ પણ પડકાર ઝીલી લેવા કટિબદ્ધ છે. ફાયર પ્રિવેન્શન એટલે કે આગ લાગે નહીં અને લાગે તો પ્રાથમિક તબક્કે જ એને બુઝાવી શકાય એ માટે લોકજાગૃતિ અને જાણકારી પણ એટલી જ જરૂરી છે. આગની ઘટનાઓમાં પ્રથમ પાંચ મિનિટ્સ એ પછીનાં પાંચ કલાક કરતા વધારે કિંમતી હોય છે. આગ એ રોજ બનતી ઘટના નથી એટલે સ્વાભાવિક રીતે એ વિષે લોકો દ્વારા દુર્લક્ષ સેવવામાં આવે પણ આ દિવસ એટલા માટે પણ ઉજવાય છે કે લોકોમાં પ્રાથમિક અગ્નિ સુરક્ષાનાં સાધનોનાં ઉપયોગની જાણકારી મળી રહે અને ખાસ તો સહીસલામત રીતે અગ્નિગ્રસ્ત બિલ્ડિંગમાંથી બહાર જેવી રીતે નીકળી શકાય.
નોંધનીય છે કે,તા.૧૪ એપ્રિલ ૧૯૪૪નાં દિવસે મુંબઈ ડૉકયાર્ડ વિસ્ફોટમાં શહીદ થયેલાં ફાયર સર્વિસનાં જવાનોની સ્મૃતિમાં સમગ્ર દેશમાં આ દિવસે રાષ્ટ્રીય ફાયર સર્વિસ દિવસ મનાવવામાં આવે છે. પોતાનો જીવ જોખમમાં મૂકીને ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસનાં જવાનો જે અપ્રતિમ બહાદૂરીની દાખવીને જાનમાલની સુરક્ષા કરે છે એની સેવાઓને બિરદાવવા દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે.
જનક દેસાઈ