અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું ટેરિફ વૉર વધુ ઉગ્ર બન્યું છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા એક દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા સામે “બદલાની કાર્યવાહી”ના કારણે ચીનને હવે 245 ટકા સુધીના ટેરિફનો સામનો કરવો પડશે.
આ જાણકારી ત્યારે બહાર આવી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આયાત કરવામાં આવતા ખનીજો અને તેમાંથી બનેલા ઉત્પાદનો પર અમેરિકાની નિર્ભરતાના કારણે પેદા થતી રાષ્ટ્રીય સુરક્ષા જોખમોની તપાસ કરવા માટે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા.
આ દસ્તાવેજમાં ટ્રમ્પના એ દાવાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે “વિદેશી મહત્વપૂર્ણ ખનિજો પર વધુ પડતી નિર્ભરતા” અને તેમના હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનો અમેરિકાની સંરક્ષણ ક્ષમતાઓ, માળખાગત વિકાસ અને તકનીકી ઇનોવેશનને જોખમમાં મૂકી શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે બધા દેશો પર 10 ટકા ટેરિફ લાદ્યો છે અને તે દેશો પર પારસ્પરિક રીતે વધારે ટેરિફ લાદ્યા છે જેમની સાથે અમેરિકાની વેપાર ખાધ સૌથી વધુ છે.
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે 75થી વધુ દેશોએ નવા વેપાર કરારો પર ચર્ચા કરવા માટે સંપર્ક કર્યો છે અને પરિણામે ચર્ચા ચાલુ રહે ત્યાં સુધી ઊંચા ટેરિફને હાલમાં મોકૂફ રાખવામાં આવ્યા છે. જોકે રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચીને અમેરિકાની કાર્યવાહી સામે બદલો લીધો છે અને તેથી “તેની બદલાની કાર્યવાહીના પરિણામે અમેરિકામાં આયાત પર 245 ટકા સુધીના ટેરિફનો સામનો કરવો પડશે.”
દસ્તાવેજમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચીને થોડા મહિના પહેલા અમેરિકાને ગેલિયમ, જર્મેનિયમ, એન્ટિમની અને અન્ય મુખ્ય હાઇ-ટેક સામગ્રીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો જેની અમેરિકાના સૈન્યમાં ઉપયોગની સંભાવના હતી. જ્યારે આ અઠવાડિયે તેણે છ ખૂબ જ દુર્લભ ધાતુઓની નિકાસ પણ સ્થગિત કરી દીધી હતી. વ્હાઇટ હાઉસે દાવો કર્યો હતો કે આવી કાર્યવાહીનો હેતુ “વિશ્વભરના ઓટોમેકર્સ, એરોસ્પેસ ઉત્પાદકો, સેમિકન્ડક્ટર કંપનીઓ અને લશ્કરી કોન્ટ્રાક્ટરોને મહત્વપૂર્ણ ઘટકોના પુરવઠાને અવરોધિત કરવાનો” હતો.