Getty Imagesપૂર્વાનુમાન પ્રમાણે આ વર્ષે સામાન્ય કરતાં સારું ચોમાસું રહેશે અને ગુજરાત સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.
આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું સારા રહેવાની આગાહી ભારતના હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે તાજેતરમાં જ ચોમાસું-2025 અંગેનું પોતાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે.
જે મુજબ આ વર્ષે ચોમાસામાં લાંબાગાળાની સરેરાશના 105 ટકા વરસાદ થવાની શક્યતા છે. લાંબાગાળાની સરેરાશ એટલે જૂનથી શરૂ કરીને સપ્ટેમ્બર મહિના સુધીના ચાર મહિનામાં સરેરાશ 105 ટકા વરસાદ થશે.
જેમાં 5 ટકાની ત્રુટિ રાખવામાં આવી છે, એટલે કે અનુમાન કરતાં 5 ટકા ઓછો કે વધારે વરસાદ થઈ શકે છે.
પૂર્વાનુમાન પ્રમાણે આ વર્ષે સામાન્ય કરતાં સારું ચોમાસું રહેશે અને ગુજરાત સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ (above normal rainfall) થવાની શક્યતા છે.
હવામાન વિભાગ સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ચોમાસા અંગેનું પોતાનું પૂર્વાનુમાન રજૂ કરતો હોય છે અને જે બાદ મે મહિનામાં ફરીથી તેનું અપડેટ અનુમાન રજૂ કરે છે.
આ સાથે જ હવામાન વિભાગે દેશના કયા વિસ્તારોમાં કેવું ચોમાસું રહેશે તે માટેનો એક નક્શો પણ રજૂ કર્યો છે. આ નક્શાના આધારે આપણે આજે સમજીશું કે ગુજરાતના કયા જિલ્લામાં કેટલો વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે?
IMDઆ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહે તેવી શક્યતા છે.
ગત વર્ષ એટલે કે 2024ના ચોમાસા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ થયો હતો અને દેશમાં પણ સરેરાશ ચોમાસું સારું રહ્યું હતુ.
આ વર્ષે હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે અને જે નક્શો જારી કર્યો છે તે પ્રમાણે ગુજરાતમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂન બાદ થતી હોય છે અને તે બાદ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી સામાન્ય રીતે વરસાદ થતો હોય છે.
આ ચાર મહિનામાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત નક્શા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પ્રબળ શક્યતા છે કે સરેરાશ કરતાં વધારે વરસાદ થશે.
મધ્ય ગુજરાતમાં પણ આ વર્ષે એવી શક્યતા છે કે સરેરાશ કરતાં સારો વરસાદ થશે. જોકે, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મૉડલ પ્રોપર સિગ્નલ આપતું નથી.
કેરળમાં જૂન મહિનાની 1 તારીખની આસપાસ ચોમાસું બેસે ત્યારબાદ ગુજરાત સુધી પહોંચતા આશરે 15થી 20 દિવસનો સમય લાગતો હોય છે.
ગુજરાતના કયા જિલ્લામાં કેટલો વરસાદ થશે?
Getty Images
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં જ વરસાદની શરૂઆત થઈ જતી હોય છે, જેને પ્રિ-મૉન્સૂન એટલે કે ચોમાસા પહેલાંનો વરસાદ કહેવામાં આવે છે.
હવામાન વિભાગ 1 જૂનથી લઈને સપ્ટેમ્બરના અંત સુધી થતા તમામ વરસાદને ચોમાસાનો વરસાદ ગણે છે. મે મહિનામાં હવામાન વિભાગ કયા મહિનામાં કેટલો વરસાદ થશે એની પણ માહિતી આપશે.
હાલ ચોમાસાના ચાર મહિનાના પૂર્વાનુમાનનો જે નક્શો રજૂ કર્યો છે તે પ્રમાણે કચ્છના કેટલાક વિસ્તારોમાં ચાર મહિના દરમિયાન સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.
જ્યારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગરના દરિયાકાંઠા તરફના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.
જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને મોરબી જિલ્લામાં પણ સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની પ્રબળ શક્યતા છે. અહીં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા 55થી 65 ટકા જેટલી છે.
મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર અને દાહોદમાં પણ નક્શા પ્રમાણે સરેરાશથી વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મૉડલમાં સફેદ રંગ અને લીલો રંગ દેખાય છે એનો અર્થ છે કે અહીં મૉડલ સ્પષ્ટ સંકેત આપતું નથી.
એનો અર્થ એ થયો કે અહીં સરેરાશ કરતાં ઓછો કે વધારે વરસાદ થશે કે નહીં તેની પ્રબળ શક્યતા વિશે વાત કરી શકાય નહીં. જોકે, સમગ્ર વિસ્તારમાં બ્લૂ કલર વધારે હોવાને કારણે આ જિલ્લાઓમાં પણ સારો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
આ ઉપરોક્ત માહિતીમાં હજી ફેરફાર થવાની શક્યતા છે, આ લાંબાગાળાનું અનુમાન છે અને મે મહિનામાં ફરીથી એક અપડેટ અનુમાન હવામાન વિભાગ રજૂ કરશે.