વિશ્વ ક્ષય દિવસ ૨૪મી માર્ચની ગાંધીનગર જિલ્લા કક્ષાની ઉજવણીમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતાં જિલ્લા કલેકટરશ્રી ડૉ.કુલદીપ આર્યએ જણાવ્યું કે, ટી.બી.નો રોગ ચેપી છે. ૧૦૦ માંથી ૩૦ લોકોમાં તેના બેકટેરિયા હોય છે. પરંતુ તેની ડોટ્સ સિસ્ટમની નિયમિત સારવાર પૂર્ણ કરવાથી ટી.બી.મટી શકે છે. ખાંસી આવતી ન હોય છતાં ટી.બી. હોય છે. જેથી તેને કઇ રીતે શોધવો- ડિટેકશન સૌથી અગત્યની બાબત છે. તેમણે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહેલા આરોગ્ય કર્મીઓને દાદ આપતા જણાવ્યુ કે, આવી જોખમી કામગીરી કરીને દર્દીઓને શોધી તેમને સંપૂર્ણ ટીબી મુકત કરવા મહેનત કરી રહ્યા છે. કોરોના કાળમાં પણ આ આરોગ્ય કર્મીઓએ અડીખમ રહી કામગીરીને સફળ બનાવી હતી. આ રોગ માટે સરકાર દવાઓ આપે છે, સહાય પણ આપે છે તદ્દ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ દર્દીઓ માટે પૌષ્ટિક ખોરાક અને ન્યુટ્રિશ્યન આપે છે. તેમની સેવાઓ પણ અભિનંદનિય છે. આ સંસ્થાઓનું ફોકસ પણ આવા પ્રોગ્રામ પર સહાયક બની રહ્યું છે. ટી.બી.રોગ અંગે તેના લક્ષણો, ચકાસણી, સારવાર, સાવધાની, સહાય વગેરેના પ્રચાર- પ્રસાર થાય તેની જનતામાં જાગૃતિ આવે, સારી ટેવો કેળવાય તેમજ વ્યસનોથી બરબાદ થતાં કુટુંબોનું કલ્યાણ થાય અને સમગ્ર સમાજ તંદુરસ્ત બને એવી અભિલાષા વ્યકત કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાલિની દુહાને જણાવ્યું કે, ઘણા દર્દીઓ ખાંસીને ઇગ્નોર કરે છે અને ઘણા લોકો શરમના માર્યા દર્દને છુપાવે છે. ભુવાના દોરા-ધાગા જેવી અંધશ્રધ્ધા છોડી સમયસર કોઇપણ જાતની શેહ શરમ રાખ્યા વીના જ ટેસ્ટીંગમશીન દ્વારા ચકાસણી કરાવી ડોટ્સનો છ માસનો કોર્ષ પૂર્ણ કરી તંદુરસ્ત રહેવા અપિલ કરી હતી. આરોગ્ય અને તબીબી સેવાઓ ગાંધીનગરના નાયબ નિયામકશ્રી ડૉ.ટી.કે.સોનીએ જણાવ્યું કે આ પાત્ર એક જ દિવસનો કાર્યક્રમ ન રહેતાં સતત ચાલતો રહેવો જોઇએ ભારત સરકારનો લક્ષ્યાંક ૨૦૨૫માં ટીબીને મુકત કરવાનો છે. જયારે ગુજરાતે ૨૦૨૨માં ગુજરાતને ટી.બી.મુકત કરવાનો લક્ષ્યાંક છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી મનુભાઇ સોલંકીએ ટી.બી.ના રોગ અને તેની ભારત તથા ગુજરાતમાં શરૂ થયેલ સંશોધન અને સારવાર તેમજ તે અંગે શોધાયેલ વૈજ્ઞાનિક સિસ્ટમ અને દવાઓની વિસ્તૃત માહિતી આપી હતી.તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના Negative આવે તો ટી.બી.નો ટેસ્ટ પણ કરાવવો જોઇએ તથા હેલ્થ ચેકઅપ અને પ્રોટોકોલની નાની નાની બાબતો પણ આરોગ્ય શિક્ષણમાં મહત્વના છે જેથી જાગૃતિ દ્વારા હિડન કેસો બહાર લાવીશું તો ટી.બી.મુકત ગુજરાત કરી શકીશું.
આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી ડૉ.મીના બ્રહ્મભટ્ટે આભાર દર્શન કરી ક્ષય રોગ અંગે સમાજમાં જાગૃતિ પ્રસરે અને રોગ નાબુદ થાય તે માટે સરકારશ્રીની યોજનાઓનો વ્યાપક પ્રચાર- પ્રસાર થાય તે માટે ઉપસ્થિત મહાનુભાવો અને કર્મચારીઓ, સેવાભાવી સંસ્થાઓને આભાર માન્યો હતો. કાર્યક્રમના શુભારંભમાં ટી.બી.ના રોગ અને તેની સારવાર અંગેનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાની ટોટ્સ ડિરેકટરીનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતુ. જયારે કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે જે.કે.સિમેન્ટના ડીજીએમ શ્રી સંજીવ કુમાર શ્રોફનું તથા સર્વ મંગલ ટ્રસ્ટના પ્રતિનિધિશ્રી નિરવભાઇને ટી.બી.ના દર્દીઓને દત્તક લેવા તથા પૌસ્ટિક આહારનું ન્યુટ્રિશન પુરુ પાડવા બદલ સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. તથા ટી.બી.ની જાગૃતિ આપતી પ્રચાર વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.