નવી દિલ્હી,તા.25 કાશ્મીરના પહેલગામમાં 26 હિન્દુ પ્રવાસીઓનો ભોગ લેનારા આતંકવાદી હુમલા બાદ ભારતે અત્યંત આક્રમક વલણ અપનાવીને પાક નાગરિકોનાં વિઝા રદ કરી નાખવા સહિતના આક્રમક પગલા જાહેર કર્યા છે.
જે મુજબ દેશમાં રહેલા પાક નાગરીકોને તત્કાળ પાછા ધકેલવાની કાર્યવાહી કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે તમામ રાજયોને સુચના આપી છે. જેને પગલે ગુજરાત સરકારે તમામ શહેર જીલ્લા પોલીસ વડાઓને આદેશ જારી કરીને પાકિસ્તાની વિઝાધારકોને પરત મોકલવા સુચવ્યુ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજયોનાં મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી અને પોતપોતાનાં વિઝા પર આવેલા પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરીને પરત મોકલવાની કાર્યવાહી કરવાની સુચના આપી હતી.
સરકારે બે દિવસ પૂર્વે જ પાકિસ્તાની નાગરીકોના વિઝા રદ કરવાનો નિર્ણય લીધો છે અને 48 કલાકમાં ભારત છોડવાનો આદેશ કર્યો હતો. 27 એપ્રિલ સુધીની ડેડલાઈન આપવામાં આવી છે. મેડીકલ વિઝાધારકો માટે 29 એપ્રિલની મહેતલ છે.
કેન્દ્ર સરકારનાં આદેશ વચ્ચે ગુજરાત સરકારે પણ રાજયમાંથી પાકિસ્તાની વિઝાધારકોને પરત મોકલવાની કાર્યવાહી કરવાની સુચના આપી છે.
રાજયમંત્રી હર્ષ સંઘવીએ પાકિસ્તાનથી આવેલા નાગરીકોને તાત્કાલીક ધોરણે પરત મોકલવા તમામ જીલ્લાઓનાં કલેકટર અને એસપીને સુચના આપી છે .
જે બાદ પાકિસ્તાની નાગરીકોને પરત મોકલવાની કવાયત હાથ ધરવામાં આવી છે આ સાથે તેમણે એમ પણ જણાવવામાં આવ્યું છે કે હિન્દુ શરણાર્થીઓ પાકિસ્તાનથી આવ્યા છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહિં આવે.