નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે YUGM કોન્ક્લેવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે YUGM કોન્ક્લેવમાં હાજરી આપી હતી. કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે માત્ર ટેલેન્ટ, ટેમ્પરામેન્ટ અને ટેકનોલોજી જ ભારતના ભવિષ્યને બદલશે. અમારો ઉદ્દેશ્ય ભારત માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મદદરૂપ બનાવવાનો છે. મોદીએ કહ્યું, ‘આપણે ભવિષ્યની દરેક ટેકનોલોજીમાં ભારતને વિશ્વમાં શ્રેષ્ઠ બનાવવા માટે કામ કરવું પડશે.’ ભારતમાં વિશ્વની ટોપ સંસ્થાઓના કેમ્પસ ખુલવા લાગ્યા છે. હવે આપણી અગ્રણી સંસ્થાઓના કેમ્પસ વિદેશોમાં ખુલી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું, ‘વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અમે આગામી 25 વર્ષની સમયમર્યાદા નક્કી કરી છે. આપણી પાસે સમય મર્યાદિત છે અને આપણા લક્ષ્યો મોટા છે. તેથી, એ મહત્વનું છે કે વિચારથી પ્રોટોટાઇપ સુધીની આપણી સફર શક્ય તેટલા ઓછા સમયમાં પૂર્ણ થાય. YUGM કોન્ક્લેવનો ઉદ્દેશ્ય ઈનોવેશનની એક ઇકોસિસ્ટમ બનાવવાનો છે, જેથી ખાનગી ક્ષેત્રના રોકાણને રિસર્ચના ક્ષેત્રમાં પ્રોત્સાહન આપી શકાય.
આ કોન્ક્લેવનો ઉદ્દેશ્ય સરકાર, શિક્ષણ, ઉદ્યોગ અને ઈનોવેશન ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને એકસાથે લાવવાનો છે. આ માટે, કોન્ક્લેવમાં હાઈલેવલ બેઠકો અને પેનલ ચર્ચાઓ થશે. આમાં સરકારી અધિકારીઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ અને શિક્ષણવિદોનો સમાવેશ થશે. વધુમાં, ઈનોવેશન ક્ષેત્રને મજબૂત બનાવવા માટે કોન્ક્લેવમાં લગભગ રૂ. 1,400 કરોડનું રોકાણ કરવામાં આવશે. સરકારી અને બિન-સરકારી સંસ્થાઓએ તેમાં રોકાણ કર્યું છે. આ કોન્ક્લેવમાં ભારતભરના શ્રેષ્ઠ ડીપ ટેક સ્ટાર્ટઅપ્સના ઈનોવેશનનું પણ પ્રદર્શન કરવામાં આવશે. આ માટે અહીં એક વિશેષ પ્રદર્શન પણ યોજાશે. વધુમાં, વિવિધ ક્ષેત્રોના લોકો વચ્ચે સહયોગ અને ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે નેટવર્કિંગ તકો પણ પૂરી પાડવામાં આવશે.
આ કાર્યક્રમ દ્વારા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવશે. જેમાં IIT કાનપુર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઇન્ટેલિજન્ટ સિસ્ટમ્સ માટે એક સુપરહબ બનશે, ત્યારબાદ IIT બોમ્બે ખાતે બાયોસાયન્સ, બાયોટેકનોલોજી, આરોગ્ય અને મેડિકલ ક્ષેત્રોમાં સુપરહબ સ્થાપિત કરવામાં આવશે. તે પછી રિસર્ચ કાર્યને બિઝનેસ સ્તરે લાવવા માટે અનેક અગ્રણી રિસર્ચ સંસ્થાઓમાં વાધવાણી ઇનોવેશન નેટવર્ક (WIN) કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *