અમેરિકાની સૌથી જૂની નાણાંકીય સંસ્થા બેન્ક ઓફ ન્યુયોર્ક મેલન કોર્પોરેશન (BNY)ના સીઇઓ રોબિન વિન્સે તાજેતરમાં જ BNYની વેપાર નીતિમાં ભાતના વધી રહેલા મહત્ત્વ વિશે વાત કરી હતી. તેમણે વેપાર પર ટ્રમ્પના ટેરિફની અસર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની પરિવર્તનકારી ભૂમિકા સહિત અનેક મુદ્દાઓ પર એક ચેનલને આપેલી એક મુલાકાતમાં નિખાલસતાપૂર્વક વાત કરી હતી.
તેમની વાતચીતના અંશ અત્રે પ્રસ્તુત છે
ભારતની વિકાસગાથામાં BNY કેવી રીતે ભૂમિકા ભજવી શકે છે?
ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે. તે વિશ્વમાં એન્જિનિયરિંગ પ્રતિભાના અગ્રણી કેન્દ્રોમાંનું એક છે. આ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ જગ્યા છે, કારણ કે અમે મોટાભાગે ટેકનોલોજી-સંચાલિત કંપની છીએ. અમારા 40 ટકા AI કેન્દ્રો ભારતમાં છે. અમારા માટે અહીંની કુશળતા અને ક્ષમતાઓનો ઉપયોગ કરવો અને સતત વિકસતી અર્થવ્યવસ્થાનો ભાગ બનવું મહત્વપૂર્ણ છે. અમે ભારતમાં લગભગ 18000 લોકોને રોજગારી આપીએ છીએ અને કર્મચારીઓની સંખ્યાની દ્રષ્ટિએ તે વિશ્વમાં અમારું સૌથી મોટું સ્થાન છે.
શું તમે ભારતમાં વધુ ગ્લોબલ કોમ્પિટન્સી સેન્ટર્સ (GCCs) સ્થાપવાની યોજના બનાવી રહ્યા છો?
અમારી પાસે વિશ્વભરમાં છ GCC છે. અમે તેમને વ્યૂહાત્મક વૈશ્વિક સ્થાનો કહીએ છીએ. તેમાંથી બે પુણે અને ચેન્નાઈમાં છે. આ ઉપરાંત, અમેરિકામાં બે GCC છે, એક આયર્લેન્ડમાં અને એક પોલેન્ડમાં છે. આ છ GCC હાલમાં અમારા માટે પૂરતા છે. પુણેમાં આવેલ GCC સૌથી મોટું છે, જે 11,000 લોકોને રોજગારી આપે છે. આ સંદર્ભમાં બીજા ક્રમનું સૌથી મોટું GCC પિટ્સબર્ગમાં છે, જ્યાં 6,000 લોકો કામ કરે છે.
ટેરિફને કારણે વિશ્વમાં સર્જાયેલી અશાંતિ વિશે તમે શું કહો છો?
ટેરિફ ખરેખર વ્યવસાય વિશે છે. ઘણા દેશો આ પરિવર્તન અપનાવશે અને અમેરિકા સાથે શ્રેષ્ઠ વેપાર સંબંધો બનાવવા વિશે વિચારશે. ઉદાહરણ તરીકે, ભારત-અમેરિકા એક નવા વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા હોવાથી અમેરિકામાં ભારત વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. અમારા વ્યવસાયની વાત કરીએ તો, અમે વિશ્લેષકો સાથેની અમારી વાતચીતમાં જાહેરમાં કહ્યું છે કે આ અનિશ્ચિતતાથી અમને થોડો ફાયદો થયો છે. હાલમાં, અમારા કોઈપણ વ્યવસાય પર તેની કોઈ નકારાત્મક અસર નથી.
BNY ભારતમાં AIનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યું છે?
મને લાગે છે કે AI નાણાકીય સેવાઓ સહિત ઘણા ઉદ્યોગોમાં સેવાઓનું પરિવર્તન લાવશે. એટલા માટે અમારી AI સેન્ટર ટીમના 40 ટકા લોકો ભારતમાં છે. આવી સ્થિતિમાં, જો તમે તેના મહત્વ અને રોકાણનું તુલનાત્મક મૂલ્યાંકન કરવા માંગતા હો, તો કદાચ આ શ્રેષ્ઠ માપદંડ છે. વિશ્વભરમાં અમારું AI પ્લેટફોર્મ ELIZA છે. અમે AI માટે એક મલ્ટી-એજન્ટ ફ્રેમવર્ક ચલાવીએ છીએ અને અમે OpenAI સહિત તમામ મુખ્ય જનરલ ઇન્ટેલિજન્સ મોડેલ્સ, મોટા ભાષા મોડેલ્સ સાથે જોડાયેલા છીએ અને તેનો ઉપયોગ કરીએ છીએ. ભારતમાં ઘણી બધી AI નવીનતાઓ થઈ રહી છે. આ માટે આ યોગ્ય દેશ અને વાતાવરણ છે કારણ કે અહીંની IIT સંસ્થાઓમાંથી પ્રતિભાઓ બહાર આવે છે. અમે અમારા રોકાણો ફક્ત એવા ક્ષેત્રો પર કેન્દ્રિત કરીએ છીએ જ્યાં પૂરતી પ્રતિભા ઉપલબ્ધ છે. ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એન્જિનિયરિંગ પ્રતિભાથી ભરેલું છે.
ભારતીય વ્યવસાયનો આવકમાં કેટલો ફાળો છે?
અમે વ્યક્તિગત દેશોના યોગદાનના આંકડા તૈયાર કરતા નથી. પરંતુ અમારી 40 ટકા આવક અમેરિકાની બહારથી આવે છે. આમાં યુરોપ, ભારત, એશિયા-પેસિફિક ક્ષેત્ર વગેરેનો સમાવેશ થાય છે. ભારત અમારા માટે ખૂબ મહત્વનું છે અને અમે જ્યાં વ્યવસાય કરીએ છીએ તે મહત્વપૂર્ણ દેશોમાંનો એક છે.