
ગાંધીનગર
ગાંધીનગરમાં ગેરકાયદે રેતી ખનન અને રેતીની હેરફેરની બેફામ બનેલી પ્રવૃત્તિ રોકવા માટે ભૂસ્તર તંત્ર દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુરુવારે એક જ દિવસમાં રેતીની ગેરકાયદે હેરફેર કરતા 7 વાહનો પકડીને 212.17 મેટ્રિક ટન રેતીની ગેરકાયદે હેરફેર અટકાવવામાં આવી છે. તંત્રએ વાહનો અને રેતીના જથ્થા સહિત કુલ 2.15 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
એક સમયે ગાંધીનગરમાં બેરોકટોક રેતી ખનન થતું હતું અને માર્ગો પરથી ખુલ્લેઆમ પરમિટ વિના જ રેતીની હેરફેર થતી હતી પરંતુ આ મામલે કલેક્ટર મેહુલ દવેએ કડક વલણ અપનાવતાં ભૂસ્તર તંત્રને સક્રિય કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. જેના પગલે મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી પ્રણવ સિંહે તેમના તાબા હેઠળની સમગ્ર ટીમને પેટ્રોલિંગમાં અને વોચમાં ગોઠવી દીધી છે. પરિણામે અત્યાર સુધીની સૌથી વધુ કાર્યવાહી ભૂમાફિયાઓ સામે કરવામાં આવી રહી છે. ગુરુવારે રોયલ્ટી ઈન્સ્પેક્ટર તરૂણ શર્મા અને માઈન્સ સુપરવાઇઝર આકાશ પટેલ, નવ્યા, સગુના ઓઝા દ્વારા આકસ્મિક તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન સાદીરેતી તથા સાદી માટી ખનિજના બિનઅધિકૃત વહન કરતા વાહનોને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્રિમંદિર અડાલજ ખાતેથી, કલોલ રોડ ખાતેથી, વૈષ્ણોદેવી ટોલ ટેક્સ રોડ ખાતેથી, જાસપુર કેનાલ રોડ ખાતેથી, નારદીપુર રોડ ખાતેથી, ગિફ્ટ સિટી ખાતેથી તેમજ રાંધેજા ગામ ખાતેથી આ વાહનો પકડવામાં આવ્યા હતા.
પકડવામાં આવેલી રેતી તથા માટીનો જથ્થો ક્યાંથી વાહનમાં ભરીને લાવ્યા હતા તેની તપાસ હાલ ચાલી રહી છે જેના આધારે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. બીજીતરફ આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિમાં પકડવામાં આવેલા વાહનોના માલિકો સામે પણ ભૂસ્તર તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.