શહેરના આજી ડેમ પાસેના યુવરાજનગરમાં રવિવારે બપોરે ઘોડિયામાં સૂતેલા એક મહિનાના બાળકને બિલાડીએ ગળા પર બચકાં ભરી લેતા મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગત મુજબ યુવરાજનગરમાં રહેતા ઘુઘાભાઇ જાદવનો એક મહિનાના પુત્ર જયપાલ ગઈકાલે બપોરે ઘોડિયામાં સૂતો હતો અને માતા હેતલબેન કામકાજ કરતા હતા ત્યારે અચાનક બિલાડીએ આવી એક મહિનાના બાળકના ગળા અને શર્રીરના ભાગે બચકા ભરતા લોહી લુહાણ થયું હતું.
થોડીવાર બાદ માતા હેતલબેનએ ઘોડિયામાં પુત્રને લોહી નીકળતી હાલતમાં જોતા દેકારો મચાવ્યો હતો અને સાસુ સહીત પડોશીઓ દોડી આવ્યા હતા અને બેભાન હાલતમાં ઝનાના હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતક જયપાલ એકનો એક પુત્ર હતો. પિતા ઘુઘાભાઈ ચોટીલાના તરકિયા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ઘુઘાભાઇના માતા હેમીબેન આજી ડેમ નજીક નદીએ કપડાં ધોવા ગયા હતા. ઘરમાં હેતલબેન અને પુત્ર જયપાલ હતા. જયપાલ ઘોડિયામાં સૂતો હતો. માતા હેતલબેન ઘરમાં ઘોડિયાથી થોડે દૂર થયા હતા તે વખતે જ અચાનક બિલાડી ધસી આવી હતી અને ઘોડિયામાં સૂતેલા માસૂમ બાળક પર હુમલો કર્યો હતો જે જીવલેણ નીવડ્યો હતો