રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 થી 50 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજસ્થાનમાં સિસ્ટમ એક્ટિવ થઈ હોવાના કારણે વરસાદ વરસી રહ્યો છે.
આગામી ત્રણ દિવસ કરાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, જૂનાગઢ, રાજકોટ , અમરેલી , ગીર સોમનાથ , દિવ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ વરસશે.
અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસમાં તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી વધશે. આજે અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર તરફથી એક ટ્રફ પસાર થતું હોવાથી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે.
26 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો
સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે માવઠાનો માર યથાવત છે. રવિવારે સવારે છ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધીમાં 26 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકા, જુનાગઢ અને જામનગર જિલ્લામાં દોઢથી અઢી ઈંચ સુધીનો આફતનો વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં
કમોસમી વરસાદના કારણે રાજ્યમાં કેરીના પાકમાં 50 અને તલના પાકમાં 40 ટકાનું નુકસાન થયાનો અંદાજ છે. પપૈયામાં 20, કેળામાં 15 અને ડાંગરના પાકને 15 ટકા નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. વરસાદ બંધ થયા બાદ સર્વેની કામગીરી શરૂ કરાશે. હાલ તો સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.
મહેસાણાના ખેરાલુમાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખેરાલુ પંથકમાં માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અરવલ્લી જિલ્લામાં માવઠાથી ખેતરમાં પાણી ભરાઇ ગયાછે. શામળાજીમાં પણ ભારે પવન સાથે વરસાદ વસસ્યો. સાબરકાંઠાના પોશીનામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કડીમાં વરસાદે તારાજી સર્જી હતી. ગ્રામ્ય વિસ્તારમાં અલગ-અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો જેના પગલે પાકને નુકસાનીની શક્યતા વધી છે. કડીમાં ભારે વરસાદથી રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. પાણી ભરાતા વાહનો ફસાયા હતા. સ્થાનિકો અને પ્રશાસનની મદદથી વાહનોનું રેસ્ક્યૂ કરાયું હતું. જેસીબી મશીનની મદદ લેવી પડી હતી, આ પાણીમાં સ્કોર્પિઓ ગરકાવ થઇ જતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.