AMC રેવેન્યૂ કમિટીના ચેરમેન અનિરુદ્ધ સિંહ ઝાલા
અમદાવાદ
AMC રેવેન્યૂ કમિટીના ચેરમેન અનિરુદ્ધ સિંહ ઝાલાએ કહ્યું હતું કે હવે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. મકાન રીનોવેટ કર્યા બાદ તેના ટેક્સની આકારણી મકાન માલિક જાતે કરી શકે તેવું સોફ્ટવેર વિકસાવવામાં આવશે.કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાનું મકાન ફરીવાર બનાવે ત્યારે તેના ટેક્સની આકારણી માટે મ્યુનિસિપાલિટીના અધિકારીને બોલાવવા પડતા હતાં. પરંતુ અધિકારી કે કર્મચારીઓ સ્થળ તપાસ કરતા નહીં હોવાની ફરિયાદો ઉઠતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.AMC દ્વારા એક એવું સોફ્ટવેર તૈયાર કરાશે જેમાં મકાન રીનોવેટ કર્યા બાદ મકાન માલિક જાતે જ તે મકાનના ટેકસની આકારણી કરી શકશે. મકાન માલિક દ્વારા સેલ્ફ એસેસમેન્ટ મોડ્યુલ તૈયાર કરાશે. જેમા તે વધારાના બાંધકામના ક્ષેત્રફળની વિગતો ભરશે.
અનિરુદ્ધ સિંહ ઝાલાએ વધુમાં કહ્યું હતું કે, આ વિગતોને આધારે અંદાજિત બીલની કિંમત બતાવશે.ત્યાર બાદ જે તે ઝોનના ઈન્સપેક્ટર સ્થળ તપાસ માટે જશે અને ક્ષેત્રફળ ખોટુ દર્શાવાયુ હશે કે કોઈ અન્ય ખામી દેખાશે તો તેમાં સુધારો કરી ફાઈનલ આકારણી બતાવશે. જેના આધારે મકાન માલિકે ટેક્સ ભરપાઈ કરવાનો રહેશે. અત્યાર સુધીમાં મકાન રીનોવેશન કરાવ્યા બાદ લોકોને ટેક્સ ભરવો હોય તો આકારણી માટે કર્મચારીઓ આવતા જ નહોતા. જેની અનેક ફરિયાદો ઉભી થઈ હતી. જેથી AMC દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
