
અયોધ્યામાં રામ લલ્લા મંદિરનું સંચાલન કરતી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ગયા નાણાકીય વર્ષ (2024-25)માં વિવિધ સ્ત્રોતોમાંથી 316.57 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ખર્ચ 642.55 કરોડ રૂપિયા હતો. સમગ્ર વર્ષ દરમિયાન રામલલ્લાના દર્શને આવેલાં ભક્તોએ ભગવાનને સીધાં જ 94.30 કરોડ રૂપિયા દાન કર્યા હતાં. ટ્રસ્ટની વાર્ષિક બજેટ બેઠકમાં આ માહિતી આપવામાં આવી હતી. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યાં પ્રમાણે ગત નાણાકીય વર્ષનાં હિસાબો થઈ ગયાં છે. અને ઓડિટ કરાવ્યાં બાદ સપ્ટેમ્બરમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવશે. રજૂ કરવામાં આવેલાં હિસાબો મુજબ મંદિરમાં નિર્માણ કાર્ય પાછળ સૌથી વધુ 452.76 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ ઉપરાંત બાગ-બિજાઈ અને રામકોટ વિસ્તારમાં 105.45 કરોડ રૂપિયાની જમીન ખરીદવામાં આવી હતી. 87.56 કરોડ રૂપિયા અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અને 1.70 કરોડ રૂપિયા અન્ય વસ્તુઓ પર ખર્ચ કરવામાં આવ્યા હતાં. પાછલાં નાણાકીય વર્ષ (2023-24)માં કુલ આવક 363.34 કરોડ રૂપિયા રહી હતી.