મહિલા ક્રિકેટ વનડે વર્લ્ડ કપ 2025 ભારત અને શ્રીલંકામાં 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર દરમિયાન યોજાશે. 8 ટીમો વચ્ચે ટુર્નામેન્ટમાં કુલ 31 મેચ રમાશે, જેનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. મહિલા ODI વર્લ્ડ કપ 2025 ની પહેલી મેચ મંગળવાર, 30 સપ્ટેમ્બરના રોજ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. આમાં યજમાન ભારત અને શ્રીલંકા એકબીજા સામે ટકરાશે. હાઇબ્રિડ મોડેલમાં યોજાનારી આ ઇવેન્ટમાં, પાકિસ્તાન ક્રિકેટ ટીમ તેની બધી મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમશે.
યજમાન ભારત ઉપરાંત, વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. રાઉન્ડ-રોબિન પછી, નોકઆઉટ તબક્કામાં 2 સેમિફાઇનલ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મહિલા વર્લ્ડ કપ મેચ 5 ઓક્ટોબરે રમાશે. આ મેચ શ્રીલંકાના કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.
પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચે છે, તો 29 ઓક્ટોબરે પ્રથમ સેમિફાઇનલ મેચ કોલંબોમાં રમાશે, અને જો તે જીતીને ફાઇનલમાં પહોંચે છે, તો ટાઇટલ મુકાબલો પણ ત્યાં જ યોજાશે. જો પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ જાય છે, તો પ્રથમ સેમિફાઇનલ ગુવાહાટીમાં અને ફાઇનલ બેંગલુરુમાં યોજાશે.