જી-7 સમિટના બીજા દિવસે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ, વેપાર અને વિકાસ જેવા મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર વિશ્વ નેતાઓ સાથે વાતચીત કરી. કેનેડાના કનાનાસ્કિસમાં આયોજિત જી-7 આઉટરીચ સત્રને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ સામે ભારતની કડક નીતિનો પુનરોચ્ચાર કર્યો અને આ વૈશ્વિક ખતરા સામે સંયુક્ત અને નિર્ણાયક પગલાં લેવા હાકલ કરી.
વડાપ્રધાન મોદીએ કહ્યું, વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે, આપણી વિચારસરણી અને નીતિ સ્પષ્ટ હોવી જોઈએ. જો કોઈ દેશ આતંકવાદને ટેકો આપે છે, તો તેણે કિંમત ચૂકવવી પડશે. તેમણે એમ પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયની ક્રિયાઓમાં કોઈ બેવડા ધોરણો ન હોવા જોઈએ. પ્રધાનમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું, એક તરફ, આપણે વિવિધ પ્રકારના પ્રતિબંધો લાદીએ છીએ, જ્યારે બીજી તરફ, જે દેશો ખુલ્લેઆમ આતંકવાદને ટેકો આપે છે તેમને પુરસ્કાર આપવામાં આવે છે. આ બેવડી નીતિ બંધ થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આજે પાકિસ્તાનના આર્મી ચીફ મુનીર સાથે અમેરિકી રાષ્ટ્રપતિ લંચ પર મુલાકાત કરશે.
આ વાતચીત અંગે માહિતી આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ આતંકવાદ સામે ભારતના વલણનો પુનરોચ્ચાર કર્યો અને પહેલગામમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની નિંદા કરવા બદલ નેતાઓનો આભાર માન્યો. તેમણે આતંકવાદને પ્રોત્સાહન આપનારા અને સમર્થન આપનારાઓ સામે મજબૂત વૈશ્વિક કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો.
સમિટ ઉપરાંત, વડા પ્રધાન મોદીએ અનેક દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી. તેમણે કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની, બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર, ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની અને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનીસ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકોમાં વેપાર સહયોગ, રોકાણ વધારવું અને વૈશ્વિક આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.