
ઈરાનની ઉર્મિયા મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા લગભગ 110 ભારતીય વિદ્યાર્થી સુરક્ષિત રીતે ભારત પહોંચી ગયા છે, આમાંથી 90 વિદ્યાર્થી કાશ્મીરના છે. ભારત પહોંચેલા વિદ્યાર્થીઓએ કહ્યું, ‘ત્યાંની પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. ખાસ કરીને તેહરાનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. યુદ્ધ સારી વાત નથી. માનવતાનો નાશ થઈ રહ્યો છે.’ ઈરાનથી બહાર કાઢવામાં આવેલા આ વિદ્યાર્થીઓ મંગળવારે આર્મેનિયા પહોંચ્યા, જ્યાં તેમને રાજધાની યેરેવનની હોટલોમાં રાખવામાં આવ્યા. આ પછી આજે તેમને કતાર થઈને ભારત લાવવામાં આવ્યા. આ વિદ્યાર્થીઓને લઈને આર્મેનિયાના યેરેવન એરપોર્ટથી ઈન્ડિગોની એક ફ્લાઇટ કતારની રાજધાની દોહા માટે ઉડાન ભરી હતી. આ પછી તેમને દોહાથી બીજી ફ્લાઇટ દ્વારા નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ લાવવામાં આવ્યા. મંગળવારે ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાનથી વિદ્યાર્થીઓને બહાર કાઢવાની પુષ્ટિ કરી. આ વિદ્યાર્થીઓને આર્મેનિયા સરહદ પરના નોરુડ્ઝ ચેકપોઇન્ટથી બસોમાં બહાર કાઢવામાં આવ્યા હતા. ઈરાનમાં 1,500 વિદ્યાર્થી સહિત લગભગ 10,000 ભારતીય ફસાયેલા છે. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં દેશના એરપોર્ટ બંધ છે, પરંતુ લેન્ડ બોર્ડર્સ ખુલ્લી છે. મંત્રાલયે વિદેશી નાગરિકોને ઈરાન છોડતાં પહેલાં તેમનું નામ, પાસપોર્ટ નંબર, વાહનની વિગતો, પ્રસ્થાન સમય અને તેઓ જે સરહદ પાર કરવા માગે છે એ પ્રદાન કરવા જણાવ્યું હતું.
છેલ્લા 6 દિવસથી ચાલી રહેલા ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. સીએનએન અનુસાર, શહેરના પેટ્રોલ પંપો પર ગાડીઓની લાંબી કતારો લાગી ગઈ છે. લોકો ડરી ગયા છે અને શહેર છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફક્ત તેહરાનમાં જ 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. એક વ્યક્તિએ રોઇટર્સને જણાવ્યું હતું કે ઘણી વખત લાઇનોમાં ઊભા રહેવા છતાં પણ પેટ્રોલ મેળવવું મુશ્કેલ છે, કારણ કે ઇંધણનો પુરવઠો મર્યાદિત છે. તેહરાનના એક રહેવાસીએ જણાવ્યું, લોકો પાસે બોમ્બધડાકાથી બચવા માટે કોઈ સુરક્ષિત જગ્યા નથી. આખા શહેરમાં કોઈ આશ્રયસ્થાન નથી, જ્યાં લોકો દોડીને પોતાનો જીવ બચાવી શકે. ઘણા લોકો ઉત્તર તરફ કેસ્પિયન સમુદ્ર તરફ જઈ રહ્યા છે, જે પ્રમાણમાં શાંત અને દૂરનો વિસ્તાર છે, પરંતુ રસ્તાઓ એટલા જામ છે કે ત્યાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે.
રવિવારે ઇઝરાયલે શસ્ત્રો બનાવતા વિસ્તારોની નજીક રહેતા લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાની ચેતવણી આપી હતી, કારણ કે ખતરો વધુ વધી શકે છે.