FATFના ગ્રે લિસ્ટમાં ચોથી વાર જશે પાકિસ્તાન? એક્શન ટાસ્ક ફોર્સ (FATF) પાકિસ્તાનને ફરીથી ‘ગ્રે લિસ્ટ’માં મૂકવાની તૈયારીમાં

Spread the love

 

 

 

આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની મુશ્કેલીઓ ફરી વધી રહી છે. મની લોન્ડરિંગ અને આતંકવાદી નાણાકીય પ્રવૃત્તિઓની દેખરેખ રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) પાકિસ્તાનને ફરીથી ‘ગ્રે લિસ્ટ’માં મૂકવાની તૈયારીમાં છે. પ્રાપ્ત માહિતી મુજબ FATF જૂન, 2025ના અંતે અથવા જુલાઈની શરૂઆતમાં આ અંગે નિર્ણય જાહેર કરે એવી શક્યતા છે. FATFની શક્ય કાર્યવાહીના કેન્દ્રમાં કાશ્મીરના પહેલગામમાં થયેલ તાજેતરના આતંકી હુમલો છે, જેમાં 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. ભારતે આ હુમલામાં પાકિસ્તાનને જવાબદાર ઠેરવતાં FATF સમક્ષ પુરાવા અને દસ્તાવેજ રજૂ કર્યા છે. FATF આગામી એક મહિનામાં પાકિસ્તાનની નીતિઓ અને મની લોન્ડરિંગ રોકવાના પ્રયાસો અંગે વિશ્લેષણાત્મક અહેવાલ રજૂ કરશે. હજી સુધી ગ્રે લિસ્ટમાં સામેલ કરવા અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, પણ હાલની સ્થિતિ મુજબ એવી શક્યતા છે કે આ પગલું લગભગ નિશ્ચિત છે. ભારતે FATFને માહિતી આપી છે કે પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એમોહમ્મદ જેવાં આતંકી સંગઠનો હજુ પણ સક્રિય છે અને તેમને સરકારથી સીધો કે પરોક્ષ સપોર્ટ મળતો રહે છે. વર્ષ 2022માં પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું, પરંતુ કેટલીક કડક શરતો સાથે. આ શરતોમાં કાયદાકીય સુધારા, તપાસ અને આરોપીઓને સજા આપવી આવરી લેવામાં આવી હતી. ભારતે દાવો કર્યો છે કે પાકિસ્તાન આ શરતો લાગુ કરાવવામાં નિષ્ફળ રહ્યું છે. FATFની સ્થાપના 1989માં G7 દેશોએ મળી કરી હતી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ મની લોન્ડરિંગ, આતંકવાદને નાણાકીય સપોર્ટ અને અન્ય ગેરકાયદે નાણાકીય પ્રવૃત્તિઓને અટકાવવાનું છે. જ્યારે કોઈ દેશ આ પ્રવૃત્તિઓ અટકાવવા માટે પૂરતાં પગલાં લેતો નથી, ત્યારે તેને ‘ગ્રે લિસ્ટ’માં મૂકવામાં આવે છે. એનો અર્થ એ થાય છે કે આ દેશ પર ખાસ નજર રાખવામાં આવશે અને તેને વિદેશી રોકાણ, લોન અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ વ્યવહારોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *