
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને (CBI) 183.21 કરોડ રૂપિયાના નકલી બેંક ગેરંટી સાથે સંકળાયેલ નાણાકીય છેતરપિંડીના કેસમાં પંજાબ નેશનલ બેંક (PNB)ના એક સિનિયર મેનેજર સહિત બે લોકોની ધરપકડ કરી છે. આ કાર્યવાહી ઇન્દોર સ્થિત એક કંપની અને મધ્યપ્રદેશ જલ નિગમ લિમિટેડ (MPJNL) સાથે જોડાયેલ કૌભાંડના સંદર્ભમાં કરવામાં આવી છે.
સીબીઆઈના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ જળ નિગમ લિમિટેડે (MPJNL) વર્ષ 2023માં ઇન્દોરની એક ખાનગી કંપનીને 974 કરોડ રૂપિયાના ત્રણ સિંચાઈ પ્રોજેક્ટ આપ્યા હતા. આ પ્રોજેક્ટ્સ માટે, કંપનીએ કુલ આઠ નકલી બેંક ગેરંટી જમા કરાવી હતી, જેની કુલ કિંમત 183.21 કરોડ રૂપિયા હતી. વેરિફિકેશન પ્રોસેસ દરમિયાન, ‘MPJNL’ને ‘PNB’ના ઓફિશિયલ ડોમેન તરફથી ગેરંટીઓની પુષ્ટિ કરતા ઇમેઇલ્સ મળ્યા, જેના આધારે મધ્યપ્રદેશ જળ નિગમ લિમિટેડે કોન્ટ્રાક્ટસને મંજૂરી આપી હતી. જો કે, આ બધું પાછળથી ખબર પડી કે નકલી છે.
આ છેતરપિંડીનો મામલો બહાર આવ્યા બાદ સીબીઆઈએ મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્દેશ પર કાર્યવાહી શરૂ કરી હતી. આ અંતર્ગત 19 અને 20 જૂનના રોજ, તપાસ એજન્સીએ નવી દિલ્હી, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઝારખંડ અને મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં 23 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન, કોલકાતાથી બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં પંજાબ નેશનલ બેંકના એક સિનિયર મેનેજરનો પણ સમાવેશ થાય છે. બંનેને પહેલા કોલકાતાની સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને હવે તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ઇન્દોર લાવવામાં આવી રહ્યા છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ સમગ્ર કેસમાં કોલકાતાની એક ગેંગ સામેલ છે, જે અન્ય ઘણા રાજ્યોમાં સરકારી કોન્ટ્રાક્ટ મેળવવા માટે નકલી બેંક ગેરંટી બનાવવા અને તેનું વિતરણ કરવામાં લાગેલી છે. જણાવી દઈએ કે, કેસની તપાસ હજુ પણ ચાલુ છે.