
વડાપ્રધાન મોદીએ ભારતના બે મહાનતમ આધ્યાત્મિક અને નૈતિક નેતાઓ નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચે ઐસિહાસિક વાતચીતના શતાબ્દી સમારોહના ઉદઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ તકે વડાપ્રધાને ‘ઓપરેશન સિંદુર’નો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ભારતીયોનું લોહી વહેવનારાઓ માટે કોઈ ઠેકાણુ સુરક્ષિત નથી. 22 મિનિટમાં દુશ્મનોને ઘુંટણિયે આવવા મજબૂર કરી દીધા હતા. વડાપ્રધાને જણાવ્યું હતું કે રક્ષા આવશ્યકતાઓ માટે ભારતની વિદેશો પર નિર્ભરતા સતત ઘટી રહી છે. આપણે રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર થઈ રહ્યા છીએ. દુનિયાએ હાલમાં જ જોયુ છે કે ભારતનું શું સામર્થ્ય છે. ‘ઓપરેશન સિંદુર’ એ આતંકવાદ સામે ભારતની કઠોર નીતિને દુનિયાની સામે સ્પષ્ટ કરી દીધી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે નારાયણ ગુરુના આદર્શ પુરી માનવતા માટે ખૂબ જ મોટી મૂડી છે. આપણો દેશ જયારે પણ કોઈ મુશ્કેલીમાં ફસાય છે તો કોઈને કોઈ મહાન વિભૂતિ દેશના કોઈ ખૂણામાં જન્મ લઈને સમાજને નવી દિશા દેખાડે છે. નારાયણ ગુરુ આવા જ મહાન સંત હતા. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે 100 વર્ષ પહેલાની તે મુલાકાત સામાજીક સમરસતા માટે, વિકસીત ભારતના સામુહિક લક્ષ્યો માટે આજે પણ ઉર્જાના સ્ત્રોતની જેમ છે. આ ઐતિહાસિક અવસર પર હું નારાયણ ગુરુને નમન કરું છું અને મહાત્મા ગાંધીજીને પણ મારી શ્રદ્ધાંજલી અર્પણ કરું છું. વડાપ્રધાને જણાવ્યું હતું કે નારાયણ ગુરુ એપના માટે પ્રકાશ સ્તંભ જેવા છે જે લોકો દેશની અને સમાજની સેવાના સંકલ્પ પર કામ કરે છે.