નવી દિલ્હી, 26 જૂન, 2025 – Shocking findings on the causes of death among India’s youth ભારતના યુવાનોના મૃત્યુ અંગે થયેલા એક અભ્યાસમાં ચોંકાવનારાં તારણો જાણવા મળ્યા છે. આ તારણોમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે, ટોચનાં બે કારણોમાં આપઘાતનો પણ સમાવેશ થાય છે. આ બાબતે થયેલા છેલ્લા બે દાયકાના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 15થી 29 વર્ષના યુવાનોમાં થતા મૃત્યુદરમાં આપઘાત ટોચનાં બે કારણો પૈકી એક છે.
અહેવાલ મુજબ, 2020થી 2022 દરમિયામ યુવાનોના મૃત્યુદરમાં પ્રત્યેક છએ એક અર્થાત 17.1 ટકા મૃત્યુ આપઘાતને કારણે થયું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા WHOના એક અહેવાલ અનુસાર, વૈશ્વિક સ્તરે આ વયજૂથમાં મૃત્યુનાં કારણો પૈકી આપઘાત ત્રીજા ક્રમે છે. જોકે, ભારતમાં તમામ વયજૂથમાં મૃત્યુના ટોચનાં દસ કારણોમાં આપઘાતનો સમાવેશ જ નથી થતો. પણ યુવાનોના મૃત્યુદરમાં આપઘાતનો ટોચના બે ક્રમમાં સમાવેશ થાય છે.
આ અભ્યાસ અનુસાર, 2020થી 2022ના ગાળામાં 15થી 29 વર્ષના વયજૂથમાં આપઘાતનું પ્રમાણ મહિલાઓમાં 18.2 ટકા અને પુરુષોમાં 16.3 ટકા હતું. રાહતની વાત એ છે કે આ બાબતે એક દાયકા પહેલાં જે સ્થિતિ હતી તેમાં ઘણો સુધારો થયો છે. 2010થી 2013ના ગાળામાં થયેલા આ અંગેના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, ભારતીય યુવાનો પૈકી 21.8 ટકા મહિલાઓએ જ્યારે 15 ટકા પુરુષોએ આપઘાત કર્યો હતો.
આ અભ્યાસ કહે છે કે, આપઘાત બાદ ભારતીય યુવાનોના મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ માર્ગ અકસ્માતો છે. ત્રીજું મોટું કારણ પડી જવા, દાઝી જવા કે ડૂબી જવા જેવાં આકસ્મિક કારણો ત્રીજા ક્રમે આવે છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) અનુસાર, 18થી 30 વર્ષના વયજૂથમાં આપઘાતનાં મુખ્ય પાંચ કારણોમાં – પારિવારિક સમસ્યાઓ (32.4 ટકા), પ્રેમ સંબંધો (8 ટકા), લગ્નજીવનની સમસ્યાઓ (7.5 ટકા), માનસિક બીમારીઓ (7.4 ટકા) તથા નશીલા પદાર્થોને કારણે 5.2 ટકા યુવાનો જીવ ગુમાવે છે. ચિંતાજનક બાબત એ છે કે, લગ્નજીવનની સમસ્યાઓમાં દહેજના પ્રશ્નો મૃત્યુ માટે સૌથી મુખ્ય કારણે છે, જે 28 ટકા યુવાનોનો ભોગ લે છે અને તેમાં પણ 93 ટકા મહિલાઓ જીવ ગુમાવે છે.
વિશ્વની સરખામણીએ ભારતમાં 15થી 29 વર્ષની વયજૂથના યુવાનોની સંખ્યા સૌથી વધુ છે અને બે વર્ષમાં કુલ 60,700 લોકોએ આપઘાતથી જીવન ટૂંકાવ્યું છે. આ આંકડો ચીનના 10,700 કરતાં છ ગણો મોટો છે. ભારતમાં આ વયજૂથના યુવાનોની સંખ્યા 34.5 કરોડ છે જ્યારે ચીનમાં 26 કરોડ લોકો આ વયજૂથમાં સમાવેશ પામે છે.