
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક ટ્રાવેલર બસ અલકનંદા નદીમાં પડી ગઈ. આ અકસ્માત ઘોલથીરમાં બદ્રીનાથ હાઇવે પર થયો હતો. ટ્રાવેલરમાં 19 લોકો હતા, 4 લોકોના મોત થયા છે, જ્યારે 8 ઘાયલ થયા છે. તે જ સમયે, 10 લોકો હજુ પણ ગુમ છે જેમાંથી 3 ગુજરાતના છે. ટ્રાવેલરમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના મુસાફરો બેઠા હતા. ટ્રાવેલર સવાર 20 લોકોના નામ અને સરનામા જાહેર કરવામાં આવ્યા છે. ચાર મૃતકોમાંથી 2ની ઓળખ મધ્યપ્રદેશના રાજગઢના રહેવાસી વિશાલ સોની (ઉં.વ.42) અને ગુજરાતના આઈમાતા ચોક સુરતની રહેવાસી ડ્રિમી (ઉં.વ.17) તરીકે થઈ છે. ડ્રાઇવર સુમિતે જણાવ્યું કે તે મુસાફરોને કેદારનાથ બતાવીને બદ્રીનાથ ધામ લઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન, રુદ્રપ્રયાગના ઘોલથીર નજીક એક ટ્રકે ટ્રાવેલરને પાછળથી ટક્કર મારી. આ કારણે ટ્રાવેલર બસ અલકનંદા નદીમાં પડી ગઈ. સુમિત હરિદ્વારનો રહેવાસી છે. તેને પણ ગંભીર ઈજાઓ થઈ છે. તેમની સારવાર રૂદ્રપ્રયાગ હોસ્પિટલમાં ચાલી રહી છે. SDRFના જવાનો શ્રીનગર, ગઢવાલમાં બંધ નજીક શોધખોળ કામગીરી ચલાવી રહ્યા છે, જે રુદ્રપ્રયાગ બસ અકસ્માત સ્થળથી 40 કિમી દૂર છે. જેથી, તે બસ મુસાફરોને શોધી શકાય જેઓ તીવ્ર પ્રવાહને કારણે નદીમાં તણાઈ ગયા હોવાની શક્યતા છે. ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સચિવ વિનોદ કુમાર સુમને જણાવ્યું હતું કે- અમે 8 લોકોને બચાવવામાં સફળ રહ્યા છીએ. અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે. બાકીના લોકોની શોધ ચાલુ છે. ટ્રક સાથે અથડાવાને કારણે કેટલાક લોકો ટ્રાવેલરમાંથી બહાર નીકળીને ટેકરી પર ફસાઈ ગયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા હતા. અન્ય લોકોની પણ શોધખોળ ચાલી રહી છે. SDRF અને NDRF સાથે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે હાજર છે. રાજસ્થાનથી એક જૂથ ચાર ધામ યાત્રા માટે આવ્યું હતું અને બદ્રીનાથના દર્શન કરવા જઈ રહ્યું હતું, આ બધા મુસાફરો રાજસ્થાનના રહેવાસી હોવાનું કહેવાય છે. CM પુષ્કર સિંહ ધામી અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે એક્સ પર લખ્યું- રુદ્રપ્રયાગમાં એક ટેમ્પો ટ્રાવેલરના નદીમાં પડી જવાના સમાચાર દુઃખદ છે. એસડીઆરએફ અને અન્ય બચાવ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. હું આ સંદર્ભમાં સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. હું દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું.