કર્ણાટકઃ 28 જૂન, 2025: Karnataka Tigers Death: કર્ણાટકના ચામરાજનગરમાં એમ.એમ હિલ્સ વાઇલ્ડલાઇફ અભયારણ્યના હુગ્યમ રેન્જમાં પાંચ વાઘના રહસ્યમય મૃત્યુના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, આ વાઘના મૃત્યુ ઝેરને કારણે થયા છે. આ ઘટના 26 જૂનના રોજ ગજાનૂર બીટ વિસ્તારના કમ્પાર્ટમેન્ટ નંબર 117માં સામે આવી હતી, જેણે વન્યજીવન સંરક્ષણ સાથે જોડાયેલી એજન્સી અને પર્યાવરણ પ્રેમીઓને હચમચાવી દીધા છે.
તપાસ દરમિયાન થયો ચોંકાવનારો ખુલાસો
આ ઘટનાને વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 અને કર્ણાટક વન અધિનિયમ, 1969 હેઠળ એક ગંભીર ગુનો માનવામાં આવે છે, હોગ્યમ રેન્જના અધિકાર ક્ષેત્રમાં WLOR સંખ્યા 02/2025-26 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીની ઓળખ કોનપ્પા, મદારાજૂ અને નાગરાજના રૂપે થઈ હતી.
પોલીસ પૂછપરછમાં ખુલ્યું રહસ્ય
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી ખેડૂતોમાંથી એકની ગાયને એક વાઘણે મારી નાંખી હતી. ગુસ્સામાં આવીને આરોપીઓએ વાઘણ અને શાવકોને ઝેરીલું માંસ ખવડાવીને મારી નાંખ્યા. જોકે, હજુ સુધી આ વિશે સત્તાવાર પુષ્ટિ નથી થઈ. પરંતુ, વન વિભાગે દરેક એન્ગલથી આ વિશે તપાસ શરૂ કરી છે.
વન વિભાગે ભેગા કર્યા પુરાવા
નોંધનીય છે કે, વન વિભાગે પહેલા કહ્યું હતું કે, ‘આ એક સુનિયોજિત હત્યા લાગી રહી છે. તેમની ટીમ ઘટનાસ્થળે પુરાવા એકઠા કર્યા છે અને ઝેરી નમૂનાઓ ફોરેન્સિક તપાસમાં મોકલામાં આવ્યા છે. જો આ મામલો સંપૂર્ણ રીતે પુષ્ટિ થાય છે તો કર્ણાટકના વન્યજીવના ઈતિહાસમાં તે ખૂબ જ દુઃખદ અને ભયાનક ઘટના હશે.
ઉલ્લેખનીય છે કે, વાઘ એ રાષ્ટ્રીય પશુ છે અને ઘટતી સંખ્યા પહેલાંથી જ ચિંતાનો વિષય છે. વિશ્વ પ્રકૃતિ નિધિ (WWF) અનુસાર, ભારતમાં વાઘની વસ્તી વિશ્વમાં સૌથી વધુ છે. પરંતુ, માનવ-વન્યજીવ સંઘર્ષ તેની સુરક્ષામાં સથી મોટો અવરોધ બની રહ્યો છે. વિશેષ રૂપે ગ્રામીણ વિસ્તારોમાં જ્યારે વાઘ પશુઓને મારે છે, ત્યારે પ્રતિભાવ ઘણીવાર વિનાશક સાબિત થાય છે.