મની ટ્રાન્સફર ટેક્સ ઘટ્યો : અમેરિકામાં રહેતાં ભારતીયો – NRIs માટે મોટી રાહત, અમેરિકન સેનેટે વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટના સુધારેલા ડ્રાફ્ટમાં મની ટ્રાન્સફર ટેક્સ 3.5% થી ઘટાડીને 1% કર્યો

Spread the love

 

 

અમેરિકામાં રહેતા નોન-રેસિડેન્સ ઈન્ડિયન્સ (NRIs) માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. અમેરિકન સેનેટે વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટના સુધારેલા ડ્રાફ્ટમાં મની ટ્રાન્સફર ટેક્સ 3.5% થી ઘટાડીને 1% કર્યો છે. આ નિર્ણયથી અમેરિકાથી ભારતમાં પૈસા મોકલતા ભારતીયોને રાહત મળશે. અમેરિકામાં રહેતા ભારતીયો હવે સરળતાથી ભારતમાં વધુ રૂપિયા ટ્રાન્સફર કરી શકશે. માઈગ્રેશન પોલિસી ઈન્સ્ટીટ્યૂટ અનુસાર, અમેરિકામાં વિદેશી મૂળના વસતા લોકોમાં ભારતીયો બીજા ક્રમે છે. તેમની સંખ્યા 2023માં 29 લાખથી વધુ હતી. નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં આવેલા કુલ રેમિટેન્સમાં 27.7 ટકા હિસ્સો અમેરિકામાંથી આવ્યો હતો. જે 32 અબજ ડોલર હતો. રેમિટેન્સના ટેક્સમાં રાહત મળવાથી ભારતીયો વધુ નાણાં ભારત મોકલી શકશે. અગાઉ આ બિલમાં 5 ટકા ટેક્સ લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો. બાદમાં ઘટાડી 3.5 ટકા કર્યો હતો. હવે નવા સંશોધનમાં ટેક્સ 1 ટકા કરવાની જોગવાઈ રેમિટેન્સ પાછળ થતાં ખર્ચમાં ઘટાડો કરશે. વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટના નવા ફેરફારો હેઠળ, બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં રાખેલા ખાતાઓમાંથી કરવામાં આવેલા ટ્રાન્સફરનો સમાવેશ થતો નથી. તેમજ, યુએસમાં જારી કરાયેલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવેલા ટ્રાન્સફર પણ તેમાં સામેલ નથી.
યુએસ સેનેટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બિગ બ્યુટીફુલ બિલને ચર્ચા માટે મંજૂરી આપી દીધી છે. શનિવારે મોડી રાત્રે થયેલા મતદાનમાં, સેનેટે 51-49 મતોના માર્જિનથી એક પ્રસ્તાવ પસાર કર્યો, જેનાથી ગૃહને બિલ પર ચર્ચા શરૂ કરવાની મંજૂરી મળી. બે રિપબ્લિકન સેનેટરોએ પ્રસ્તાવની વિરુદ્ધ મતદાન કર્યું. મતદાન દરમિયાન યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ હાજર હતા કારણ કે જો ટાઈની સ્થિતિ રહે તો તેમના મતની જરૂર પડે. ટ્રમ્પ 4 જુલાઈ પહેલા કર અને ખર્ચમાં ઘટાડો કરતું આ બિલ પસાર કરવા માંગે છે. ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કે ફરી એકવાર ટ્રમ્પના બિગ બ્યુટીફુલ બિલની ટીકા કરી છે. મસ્કે શનિવારે X પર લખ્યું હતું કે, ‘ટ્રમ્પનું આ બિલ અમેરિકામાં લાખો નોકરીઓ ખતમ કરશે અને આપણા દેશને ભારે નુકસાન પહોંચાડશે.’ મસ્કે કહ્યું, ‘આ સંપૂર્ણપણે પાગલપણું અને વિનાશકારી છે. આ કાયદો જૂના ઉદ્યોગોને રાહત આપે છે, પરંતુ ભવિષ્યના ઉદ્યોગોનો નાશ કરશે.’ આ બિલ અંગે ગયા મહિને ટ્રમ્પ વહીવટમાં સરકારી કાર્યક્ષમતા વિભાગના વડા પદ પરથી મસ્કે રાજીનામું આપ્યું હતું.
ફાઈનલ વોટિંગ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં થશે લગભગ 640 પાનાનું બિગ બ્યુટીફુલ બિલ શુક્રવારે મોડી રાત્રે જોહાર કરવામાં આવ્યું હતું. તેના પર ચર્ચા અઠવાડિયાના અંત સુધી ચાલુ રહેવાની અપેક્ષા છે, જેમાં અનેક સુધારા અને મતદાન થશે. જો સેનેટ બિલ પસાર કરે છે, તો તે ફાઈનલ મતદાન માટે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પાછું જશે. ત્યારબાદ તે ટ્રમ્પની મંજૂરી માટે વ્હાઇટ હાઉસ જશે. રિપબ્લિકન પાર્ટી પાસે બંને ગૃહોમાં બહુમતી છે. જોકે, ડેમોક્રેટ્સ સિવાય, રિપબ્લિકન પાર્ટીના કેટલાક પોતાના જ નેતાઓ બિગ બ્યુટીફુલ બિલનો વિરોધ કરી રહ્યા છે. આ બિલ 22 મેના રોજ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં માત્ર 1 મતના માર્જિનથી પસાર થયું હતું. તેના પક્ષમાં 215 અને વિરોધમાં 214 મત મળ્યા હતા. ‘બિગ બ્યુટીફુલ બિલ’ પર ટ્રમ્પ અને મસ્ક આમને-સામને આવી ગયા. ટ્રમ્પ આ બિલના સમર્થનમાં છે, જ્યારે મસ્ક તેની વિરુદ્ધમાં છે. ટ્રમ્પનો દાવો છે કે આ એક ‘દેશભક્તિપૂર્ણ’ કાયદો છે. તેના પસાર થવાથી અમેરિકામાં રોકાણ વધશે અને ચીન પર નિર્ભરતા ઓછી થશે. જ્યારે મસ્ક તેને નકામા ખર્ચાઓથી ભરેલું બિલ માને છે.
ટ્રમ્પ અને મસ્ક વચ્ચે બિગ બ્યુટીફુલ બિલ અંગે ચર્ચા 5 જૂને શરૂ થઈ હતી જ્યારે ટ્રમ્પે મીડિયા સાથે વાત કરતી વખતે મસ્ક પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે જ્યારે અમે ઇલેક્ટ્રિક વાહનોની ફરજિયાત ખરીદીના કાયદામાં કાપ મૂકવાની વાત કરી ત્યારે મસ્કને તકલીફ થવા લાગી. હું ઈલોનથી ખૂબ નિરાશ છું. મેં તેમને ઘણી મદદ કરી છે. આ પછી, મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અનેક ટ્વીટ પોસ્ટ કર્યા. મસ્કે કહ્યું કે જો હું ન હોત તો ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હોત. તેમણે ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાની વાત પણ કરી. આ પછી ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર મસ્ક પર નિશાન સાધ્યું. તેમણે લખ્યું- જ્યારે મેં તેમનો EV મેન્ડેન્ટ (કાનુની આદેશ) પાછો ખેંચી લીધો ત્યારે મસ્ક ગુસ્સે થઈ ગયા. ટ્રમ્પે મસ્કની કંપનીને આપવામાં આવતી સબસિડી સમાપ્ત કરવાની ધમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *