અમરનાથ યાત્રા માટે જમ્મુમાં ઓફલાઇન રજીસ્ટ્રેશન શરૂ

Spread the love

 

3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે તમામ વ્યવસ્થાઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જે શ્રદ્ધાળુઓએ હજુ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, તેમના માટે સોમવારથી જમ્મુમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયુ છે. વહીવટીતંત્ર દ્વારા ખાસ રજીસ્ટ્રેશન સેન્ટર બનાવવામાં આવ્યા છે. યાત્રાળુઓનું પહેલું ગ્રુપ 2 જુલાઈના રોજ જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થશે. અમરનાથ યાત્રા બંને રૂટ પર 3 જુલાઈથી 9 ઓગસ્ટ (38 દિવસ) સુધી ચાલશે. અનંતનાગ જિલ્લામાં પરંપરાગત પહેલગામ માર્ગ 48 કિમી લાંબો છે જ્યારે ગાંદરબલ જિલ્લામાં બાલતાલ માર્ગ 14 કિમી લાંબો છે. યાત્રા શરૂ થાય તે પહેલાં, સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં કડક સુરક્ષા વ્યવસ્થા છે. આ કારણે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે (NH-44) પર મલ્સ્તટી-સ્ટેજ સિક્યોરિટી તહેનાત કરી છે. આ હાઈવે યાત્રા માટેના મહત્વપૂર્ણ માર્ગોમાંથી એક છે. હાઇવે પર CRPFની K-9 સ્ક્વોડ (ડોગ સ્ક્વોડ) પણ તહેનાત કરવામાં આવી છે. ભૂસ્ખલનના પ્રી પ્લાનિંગ માટે, સેના, CRPF, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને જમ્મુ અને કાશ્મીર રાજ્ય સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે રવિવારે હાઇવે પર સમરોલી, ટોલડી નાલા ખાતે સંયુક્ત મોક ડ્રીલ કરી હતી. સંવેદનશીલ અને ભીડવાળા વિસ્તારોમાં ટેકનિકલ ઇનપુટ્સ અને ફેસ રેકગ્નિશન સિસ્ટમ (FRS) દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ઘણો ઉત્સાહ છે. નોંધણી કરાવવા આવેલા એક શ્રદ્ધાળુએ કહ્યું, ‘આ વખતે લોકો ઉત્સાહિત છે. પહેલગામ હુમલા પછી પણ હવે કોઈ ડર નથી. વ્યવસ્થા સારી છે અને વહીવટીતંત્ર અમારી સાથે છે.’
બીજા એક ભક્તે કહ્યું, ‘મને બાબા અમરનાથમાં શ્રદ્ધા છે. આતંકવાદીઓ ગમે તે કરે, તેની આપણા પર કોઈ અસર નહીં થાય. હું બધાને વિનંતી કરું છું કે તેઓ જમ્મુ અને કાશ્મીર આવે જેથી આપણી સેના અને સરકાર કહી શકે કે આતંકવાદીઓના કૃત્યોની આપણા પર કોઈ અસર નથી.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *