રાજ્યમાં જેમ જેમ જમીનોના ભાવ વધતા જાય છે તેમ ભૂ માફીઆઓ ની અનેક જમીનો પર રડાર હોય છે, દર મહિને ચારથી પાંચ કિસ્સા આવા નોંધાતા હોય છે, ત્યારે..
ગાંધીનગરની કોલાવાડની જમીનના બોગસ દસ્તાવેજો ઉભા કરીને ખોટા વ્યક્તિઓના નામે જમીન પચાવી પાડવાં કારસો રચાયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર બાબતે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચમાં ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલામાં ગાંધીનગરના કુડાસણના એક મોટા બિલ્ડરનું નામ પણ ખુલે તેવી પ્રબળ શક્યતાઓ છે.
મળતી વિગતો અનુસાર કોલાવાડમાં આવેલી સર્વે નંબરની 1535 વળી વડીલોપાર્જિત જમીનના મૂળ માલિકોની જાણ બહાર 2006 માં ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો ઉભા કરીને જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. જમીનના મૂળ માલિક સોમાજી ઠાકોરે આ સંદર્ભે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચમાં ભાવનાબહેન સવજી દેસાઈ, મફાજી ગણેશજી વાઘેલા, વિરમભાઇ જયરામભાઈ દેસાઈ તથા ચેહરાજી ગાભાજી ઠાકોર વિરુદ્ધ CID ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ મૂળ માલિકો થોડા વર્ષો અગાઉ મહેસાણા ખાતે સ્થાયી થયા હતા. જેઓ મૂળ માલિકો છે તેઓ પૈકી કેટલાકના અવસાન પણ થયા છે.
પરંતુ થોડા મહિનાઓ પહેલા જયારે વારસાઈ કરવા માટે તેઓ ગામમાં ગયા ત્યારે આ જમીન યોગેશ ઈશ્વરલાલ પટેલના નામે બોલતી હતી. જે અંગે તપાસ કરતા આ જમીન 18/11/2010થી સાંકળચંદ રામદાસ પટેલ પાસેથી યોગેશ પટેલે રાખી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેની ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ચાર ઈસમો દ્વારા આ જમીન ખોટા દસ્તાવેજો ઉભા કરીને મૂળ માલિકો કરતા બીજા માલિકોના ફોટા ચોંટાડી જમીન વેચી મારી હતી. આ સંદર્ભે મૂળ માલિકે અગાઉ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચમાં અરજી આપી હતી. જેમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે.
ઉલ્લખનીય છે કે, આ કૌભાંડમાં ગાંધીનગરના કુડાસણ ગામના એક મોટા બિલ્ડરની પણ સંડોવણી બહાર આવી શકે છે. હાલ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે જમીન માફિયાઓને શોધવા માટે અને તેઓ પાછળ કયા મોટા માથા છે તે શોધવાની કવાયત હાથ ધરી છે.