
અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ કેસમાં સ્પષ્ટતા કરી છે કે કોઇ મહિલાના કપડાં બળજબરીપૂર્વક ઉતારવા અને બળાત્કારના ઈરાદા સાથે આમ કરવું ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 511 હેઠળ ’બળાત્કારનો પ્રયાસ’ ગણવામાં આવશે. આ નિર્ણય જસ્ટિસ રજનીશ કુમારની સિંગલ બેન્ચે આપ્યો હતો, જેમણે આરોપી પ્રદીપ કુમારની અપીલ ફગાવી દીધી હતી અને ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી 10 વર્ષની સજાને યથાવત રાખી હતી. આ કેસ 2004નો છે, જ્યારે આરોપી પ્રદીપ કુમારે એક મહિલાનું બળજબરીથી અપહરણ કર્યું હતું અને તેને લગભગ 20 દિવસ સુધી એક સંબંધીના ઘરમાં બંધક બનાવી રાખી હતી. આ સમય દરમિયાન તેણે મહિલાના કપડાં કાઢીને તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પીડિતાના પ્રતિકારને કારણે તે તેના ઈરાદામાં સફળ થઈ શક્યો ન હતો.
હાઈકોર્ટે કહ્યું હતું કે ફરિયાદ પક્ષે સાબિત કર્યું છે કે આરોપીએ પીડિતાનું અપહરણ કર્યું હતું, તેને એક જગ્યાએ બંધક બનાવીને રાખવામાં આવી હતી અને તેની અસ્મિતાને નુકસાન પહોંચાડીને તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, “પીડિતાએ સ્પષ્ટપણે કહ્યું કે આરોપીએ ’ખોટું’ કર્યું છે અને તેના કપડાં ઉતારી નાખ્યા છે. જોકે, તેણીએ પ્રતિકાર કર્યો હતો તેથી તે તેના પર બળાત્કાર કરી શક્યો નહીં.” કોર્ટે તેના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જૂના નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જો આરોપીનો ઈરાદો પીડિતાના કપડાં ઉતારીને બળાત્કાર કરવાનો હોય તો તે બળાત્કારના પ્રયાસની કેટેગરીમાં આવે છે પછી ભલે તે તેના ઈરાદામાં સફળ ન થયો હોય.
આરોપીના વકીલે દલીલ કરી હતી કે FIR મોડેથી દાખલ કરવામાં આવી હતી, જે કેસને નબળો પાડે છે. પરંતુ હાઈકોર્ટે તેને ફગાવી દેતા કહ્યું હતું કે “પીડિતા અને તેના પરિવારે FIR દાખલ કરવામાં વિલંબ માટે યોગ્ય કારણો આપ્યા છે અને આવા કિસ્સાઓમાં જ્યારે ફરિયાદ પક્ષ પોતાનો કેસ સંપૂર્ણપણે સાબિત કરે છે ત્યારે વિલંબ ન્યાયના માર્ગમાં અવરોધ બનતો નથી.” આરોપીએ એવો પણ દાવો કર્યો હતો કે તેનો પીડિતા સાથે અગાઉથી સંબંધ હતો અને તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે કહ્યું હતું કે, “આરોપી કોઈ નક્કર પુરાવા રજૂ કરી શક્યો નહીં. તેણે રજૂ કરેલા પત્રોને પીડિતાએ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેથી ખોટા આરોપનો દાવો સાબિત થઈ શક્યો નહીં.