કબૂતરખાનાની આસપાસ રહેતા લોકોને સ્વાસ્થ્ય સંબંધી, ખાસ કરીને શ્વસનને લગતી સમસ્યાઓ સર્જાતી હોવાથી મુંબઈનાં બધાં જ કબૂતરખાનાં બંધ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આ વિશે ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને જણાવશે એમ ગઈ કાલે રાજ્યના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે કહ્યું હતું. મરીન ડ્રાઇવ, દાદર, અંધેરી અને બોરીવલી એ કબૂતરોને ચણ નાખવાના હૉટ સ્પૉટ હોવાનું જણાઈ આવ્યું છે. શિવસેનાનાં વિધાનસભ્ય મનીષા કાયંદેએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતાં ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે ગઈ કાલે વિધાનસભામાં કહ્યું હતું કે ‘મુંબઈમાં ૫૧ કબૂતરખાનાં છે. અમે BMCને કહીશું કે એ બધાં જ બંધ કરવામાં આવે.’