
બિહારમાં આ વર્ષના અંતે જ યોજાઈ રહેલી ધારાસભા ચુંટણી પુર્વે ચુંટણીપંચ દ્વારા રાજયભરમાં મતદારયાદીની ખાસ અને વધુ નિશ્ચિત માપદંડો સાથે પુન: સમીક્ષા કરવાની શરૂ કરવામાં આવેલી પ્રક્રિયા સામે સુપ્રીમકોર્ટમાં મામલો પહોંચ્યો છે અને તા.10ના રોજ તેના પર સુનાવણી થશે. પંચ દ્વારા બિહારમાં 2003 કે ત્યારબાદ મતદાર યાદીમાં જેમના નામ ઉમેરાયા છે તેઓને પોતે ભારતના નાગરિક છે તે સાબીત કરવુ પડશે. ખાસ કરીને તેમની પાસે ચોકકસ પ્રકારના પુરાવા પણ માંગવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે પ્રથમ તબકકે જ બિહારમાં અંદાજે એક કરોડથી વધુ મતદારોના નામ આ પ્રક્રિયા હેઠળ મતદાર યાદીમાંથી બાદ થઈ જાય તેવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
ખાસ કરીને વિપક્ષ દ્વારા આ મુદે ચુંટણીપંચ સરકારના નિર્ણય સરકારના ઈશારે કામ કરતી રહી હોવાનો આરોપ મુકાયો છે. જેમાં રાજદના સાંસદ મનોજ ઝા ઉપરાંત ટીએમસી સાંસદ મહુવા મોઈત્રાએ સુપ્રીમમાં રીટ અરજી દાખલ કરીને ચુંટણીના થોડા મહિના પુર્વે જ આ પ્રકારે મતદારયાદીની ફકત ટુંકાગાળામાં પુન: સમીક્ષા કરવાના પંચના નિર્ણયને પડકાર્યો છે. જણાવ્યું હતું કે જો તે રોકવામાં નહી આવે તો મોટાપાયે મતદારો પોતાના મતાધિકારથી વંચિત રહી જશે અને ચુંટણી પ્રક્રિયા પર પણ અસર થશે. અગાઉ એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ એ પણ આ મતલબની અરજી દાખલ કરી છે. હવે ચુંટણીપંચ સામેની આ અરજીમાં પંચના આ નિર્ણયની કાનુની યોગ્યતા ચકાસાશે.