
ગુજરાતમાં હાલ મોટાભાગના શહેરોમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ બિસમાર બન્યાની ફરિયાદો ઉઠી છે. રસ્તાઓ પર ખાડા પડી જતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રીએ રાજ્યમાં ચોમાસાના કારણે રોડ રસ્તા, પુલો અને હાઈવેની સ્થિતિને લઈને ગાંધીનગરમાં હાઈ લેવલ બેઠક યોજી હતી. રસ્તાના અને પુલના પ્રશ્નો અંગે તાત્કાલીક ધ્યાન આપી લોકોને કામો થતા દેખાય તેવી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારથી લઈ મહાનગરોના રસ્તાઓની સ્થિતિ ખરાબ થઈ છે. રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી જતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા કામચલાઉ થીગડાં મારવામાં આવી રહ્યા છે પરંતુ, ફરી વરસાદ પડતા સ્થિતિ જેવી હતી તેવી જ થઈ રહી છે.
રાજ્યમાં રસ્તાઓ અને બ્રિજની સ્થિતિને લઈ મુખ્યમંત્રીએ હાઈલેવલ બેઠક યોજી હતી. જેમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ અને સચિવ હાજર રહ્યા હતા.CMએ તાકીદ કરતા કહ્યું હતું કે, જે કામોને ડિફેક્ટ લાયાબીલીટી પીરીયડમાં નુકશાન થાય તેવા કામોની કામગીરી પુરી કરવાની સંપૂર્ણ જવાબદારી જે-તે કોન્ટ્રાક્ટરની રહેશે. નગરપાલિકાઓ – મહાનગરપાલિકાઓના રસ્તા, અન્ડરબ્રિજના પ્રશ્નો અંગે પણ તાત્કાલિક ધ્યાન અપાય અને લોકોને કામો થતાં દેખાય તેવી કામગીરી માટે સૂચના આપી છે. સાથે કહ્યું છે કે,ક્વોલિટી વર્ક થાય તેવા કોન્ટ્રાક્ટર્સને કામો અપાય, પૈસાની કમી નથી પણ કામો યોગ્ય અને ટકાઉ થવા જોઈએ.
ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ભારે નુકસાન થાય તો રિસરફેસ અને રિપેરીંગ કામગીરી તાકીદે શરૂ થઈ શકે તેવું આગોતરું આયોજન કર્યું છે.આ હેતુસર, મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી રાજ્યની 149 નગરપાલિકાઓને કુલ 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓને રોડ રિપેરીંગ-રિસરફેસિંગ માટેના આગોતરા આયોજનના ભાગરૂપે નગરપાલિકાઓના વર્ગ મુજબ ગ્રાન્ટ ફાળવવાની મંજૂરી આપી છે. તદઅનુસાર, ‘અ’ વર્ગની 37 નગરપાલિકાઓને પ્રત્યેકને 1 કરોડ પ્રમાણે કુલ 37 કરોડ, ‘બ’ વર્ગની 34 નગરપાલિકાઓને દરેકને 80 લાખ મુજબ 27 કરોડ, ‘ક’ વર્ગની 61 નગરપાલિકાઓને નગરપાલિકાદીઠ 60 લાખ પ્રમાણે કુલ 36 કરોડ તેમજ ‘ડ’ વર્ગની 17 નગરપાલિકાઓને પ્રતિ નગરપાલિકા 40 લાખ પ્રમાણે કુલ 6.80 કરોડ મળીને સમગ્રતયા 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા સંબંધિત નગરપાલિકાઓને ફાળવવામાં આવશે.