કાલે ટ્રેડ યુનિયનોની રાષ્ટ્રવ્યાપી હડતાલ : 25 કરોડ કામદારો અને કર્મચારીઓ જોડાશે

Spread the love

 

કેન્દ્ર સરકારની મજૂર-ખેડૂત વિરોધી અને દેશ વિરોધી કોર્પોરેટ નીતિ સામે આવતીકાલે તા.9 ને બુધવારના કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ બાયો ચડાવી રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપેલ છે. જેમાં બેંકિંગ, વીમા, કોલસા ખાણકામ, હાઇવે અને બાંધકામ ક્ષેત્ર સહિતના વિવિધ ઉદ્યોગોના 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે. આ હડતાળને કારણે સમગ્ર દેશમાં આવશ્યક સેવાઓ મોટા પાયે પ્રભાવિત થઈ શકે છે. દસ કેન્દ્રીય મજૂર સંગઠનો અને તેમના સંલગ્ન એકમોના એક મંચ દ્વારા ’સરકારની મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને દેશ વિરોધી કોર્પોરેટ નીતિઓનો વિરોધમાં ‘ભારત બંધ’નું એલાન કરવામાં આવ્યું છે.
ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના અમરજીત કૌરે આ અંગે જણાવ્યું હતું કે, “25 કરોડથી વધુ કર્મચારીઓ આ હડતાળમાં ભાગ લેશે.” તેમણે વધુમાં જણાવ્યું કે, “દેશભરમાં ખેડૂતો અને ગ્રામીણ કામદારો પણ આ વિરોધ પ્રદર્શનનો ભાગ બનશે.”
આ બાબતે હિંદ મઝદૂર સભાના હરભજન સિંહ સિદ્ધુએ પણ જણાવ્યું હતું કે, આ હડતાળને કારણે બેંકિંગ સેવાઓ, ટપાલ સેવાઓ, કોલસા ખાણકામ, કારખાનાઓ, અને રાજ્ય પરિવહન સેવાઓ જેવી મહત્વપૂર્ણ જાહેર સેવાઓ પ્રભાવિત થશે.
મજૂર સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે. સરકારે છેલ્લા 10 વર્ષથી વાર્ષિક શ્રમ પરિષદનું આયોજન કર્યું નથી અને કાર્યબળના હિત વિરુદ્ધ નિર્ણયો લઈ રહી છે. તેમણે ‘વ્યવસાય કરવાની સરળતા’ના નામે સામૂહિક સોદાબાજીને નબળી પાડવા, મજૂર સંગઠનોની પ્રવૃત્તિઓને લકવાગ્રસ્ત કરવા અને નોકરીદાતાઓને લાભ આપવા માટે ચાર શ્રમ સંહિતા લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે. દેશમાં બેરોજગારી વધી રહી છે. આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. વેતન ઘટી રહ્યું છે. શિક્ષણ, આરોગ્ય અને મૂળભૂત નાગરિક સુવિધાઓમાં સામાજિક ક્ષેત્રના ખર્ચમાં ઘટાડો થઈ રહ્યો છે. આ બધા પરિબળો ગરીબો, ઓછી આવક ધરાવતા જૂથો તેમજ મધ્યમ વર્ગ માટે વધુ અસમાનતા અને વંચિતતા પેદા કરી રહ્યા છે. ફોરમે જણાવ્યું કે સરકારે ’કલ્યાણ રાજ્ય’નો દરજ્જો છોડી દીધો છે અને વિદેશી તેમજ ભારતીય કંપનીઓના હિતમાં કામ કરી રહી છે. કામદાર સંગઠનો જાહેર ક્ષેત્રના સાહસો અને જાહેર સેવાઓના ખાનગીકરણ, આઉટસોર્સિંગ, કરાર અને કામચલાઉ કાર્યબળ નીતિઓ’ સામે પણ લડી રહ્યા છે. તેમના મતે, સંસદ દ્વારા પસાર કરાયેલા ચાર શ્રમ સંહિતાનો હેતુ કામદાર સંગઠનોના આંદોલનને દબાવવા, કામના કલાકો વધારવા, સામૂહિક સોદાબાજી અને હડતાળના અધિકારને છીનવી લેવા તેમજ નોકરીદાતાઓ દ્વારા શ્રમ કાયદાના ઉલ્લંઘનને ગુનાહિત જાહેર ન કરવા માટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *