
અમેરિકાના ટેક્સાસમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં 100થી વધુ લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો હજુ પણ ગુમ છે, જેમાં કેમ્પમાં રહેલી છોકરીઓનો પણ સામેલ છે. વહીવટીતંત્ર લોકોને બચાવવા માટે મોટા પાયે બચાવ કામગીરી ચલાવી રહ્યું છે. આ દરમિયાન, કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ અઠવાડિયાના અંતમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ શકે છે. જો કે, ટ્રમ્પની મુલાકાત અંગે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. કેર કાઉન્ટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂરથી ભારે અસરગ્રસ્ત કેર કાઉન્ટીમાં કેમ્પ મિસ્ટિક અને અન્ય ઘણા સમર કેમ્પો છે, રેસ્ક્યૂ ટીમને 28 બાળકો સહિત 84 લોકોના મૃતદેહ મળ્યા છે, જેના કારણે સેન્ટ્રલ ટેક્સાસમાં મૃત્યુઆંક ઓછામાં ઓછો 104 થયો છે. સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, ઈમરજન્સી ટીમો અનેક કાઉન્ટીઓમાં ગુમ થયેલા લોકોને શોધવા અને નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે દિવસ-રાત કામ કરી રહી છે. અધિકારીઓએ સોમવારે ચેતવણી આપી હતી કે જેમ જેમ વધુ વિસ્તારોમાં પહોંચીશું અને શોધખોળ ચાલુ રહેવાથી મૃત્યુઆંક વધી શકે છે. આ ઉપરાંત, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે સ્થાનિક અને ફેડરલ હવામાન સેવાઓએ પૂર પહેલા કેર કાઉન્ટી લોકોને પૂરતી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ અઠવાડિયાના અંતમાં ટેક્સાસમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ શુક્રવારે મુલાકાત લઈ શકે છે, પરંતુ આ સંદર્ભમાં હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે આ એક કુદરતી ઘટના છે. પૂર આવ્યું તે અંગે વહીવટીતંત્રની ભૂલ નથી, પરંતુ અગાઉથી સતત ચેતવણીઓ આપવામાં આવી હતી અને ફરીથી રાષ્ટ્રીય હવામાન સેવાએ તેનું કામ કર્યું. તેમણે કહ્યું કે 3 જુલાઈના રોજ, ઑસ્ટિન-સાન એન્ટોનિયોમાં NWS કાર્યાલયે સ્થાનિક અધિકારીઓ માટે એક બ્રીફિંગનું આયોજન કર્યું હતું અને બપોરે પૂરની ચેતવણી જાહેર કરી હતી. ત્યારબાદ, 3 જુલાઈની રાત્રે અને 4 જુલાઈની સવારે પૂરની ઘણી ચેતવણીઓ આપવામાં આવી હતી, જેમાં પૂર આવવાના ત્રણ કલાક પહેલા પણ સમય મળ્યો હતો. વરસાદને કારણે નદી-નાળા છલકાઈ ગયા, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. ટ્રેલર અને વાહનો તણાઈ ગયા. સાન એન્ટોનિયોની ઈમરજન્સી ટીમોએ હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરીને શોધખોળ અને બચાવ કામગીરી શરૂ કરી. પૂરના કારણે વીજળીના તાર તૂટી ગયા અને કેરવિલની આસપાસના વિસ્તારોમાં લગભગ 2,600 ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.