
અખબારનગરથી ચાંદલોડિયા તરફ જતો અંડરપાસ તૈયાર થઈ ગયા બાદ નિર્ણયનગર તરફ જતો રસ્તો સાવ સાંકડો થઈ ગયો હતો. આખરે 10 વર્ષ બાદ મ્યુનિ. હવે અંડરપાસ પર લાઇટ મોટર વ્હીકલ એટલે કે ટુવ્હીલર અને કાર જેવા હળવાં વાહનો પસાર થઈ જાય તેવો ફ્લાયઓવર તૈયાર થશે. તે માટે મ્યુનિ.ને રૂ. 26 કરોડ જેટલો ખર્ચ થવાનો અંદાજ છે. અખબારનગરથી ચાંદલોડિયા તરફ જતાં અંડરપાસમાં નિર્ણયનગર તરફથી આવતો રસ્તો સિંગલ પટ્ટી છે. બે બસ સામસામે પસાર ન થઈ શકે તેટલો સાંકડો રસ્તો હોવાને કારણે ટ્રાફિક જામ થઈ જાય છે. આથી મ્યુનિ.એ ચાંદલોડિયા- ઘાટલોડિયા તરફ જતાં આ અંડરપાસ પર ફ્લાયઓવર બનાવવાનો નિર્ણય કર્યો છે. અંડરપાસની એક તરફ સર્વિસ રોડ છે જ્યારે બીજી તરફ સર્વિસ રોડ નથી ત્યારે ત્યાં નવો સર્વિસ રોડ બનાવી આ નવો ફ્લાયઓવર તૈયાર કરાશે. મ્યુનિ. દ્વારા હયાત બ્રિજની ઉપર એક બ્લોક મુકાશે, જે 4.5થી 5.5 મીટર જેટલો પહોળો હશે. સ્ટીલના સુપર સ્ટ્રક્ચરની વ્યાખ્યામાં આવે તેવું બોક્સ બનાવાશે, જે બ્રિજની ઉપર લાગશે. અંડરપાસની બાજુમાં સર્વિસરોડ પર આવનારા વાહન આ ફ્લાયઓવરથી નિર્ણયનગર તરફ પેટ્રોલ પંપની સામે ઊતરે તે પ્રકારનો હશે.
શું સમસ્યા છે? અંડરપાસ પાસેનો એક માત્ર સર્વિસ રોડ સાંકડો છે. સિટી બસ રિક્ષા, અન્ય વાહનો નિર્ણયનગર જવા રોંગ સાઇડમાં ઘૂસે છે. બે બસ સામસામે આવે તો ટ્રાફિક જામ થઈ જાય છે. નિર્ણયનગર ગરનાળા તરીકે ઓળખાતા રેલવે ગરનાળામાં સામાન્ય વરસાદમાં પણ ઢીંચણ સુધીના પાણી ભરાઈ જતાં હતાં, જેને કારણે ચાંદલોડિયા- ઘાટલોડિયા તરફ જતો રસ્તો લગભગ બંધ જેવો થઈ જતો હતો. પરિણામે નાગરિકોને ફરીને ચાંદલોડિયા કે ઘાટલોડિયા તરફ જવું પડતું હતું. ચાંદલોડિયા – ઘાટલોડિયા તરફના આ ગરનાળાને બદલે ત્યાં અંડરપાસ બનાવવા માટે નિર્ણય કરાયો હતો. જોકે તે સમયે બનેલી ડિઝાઇનને કારણે નિર્ણયનગર તરફનો રસ્તો લગભગ બ્લોક થઈ જશે જે બાબતે તે સમયે અધિકારીઓ દ્વારા કોઈ વિચારણા કરવામાં આવી ન હતી. અંડરપાસની એક તરફના છેડે કેટલાંક ગેરકાયદે દબાણો છે. તે ઉપરાંત રેલવેની જગ્યા પણ છે. આમ અહીં જ્યાં પણ દબાણો છે તે દૂર કરીને મ્યુનિ. દ્વારા રસ્તો બનાવાશે, જેથી અખબારનગરથી આ અંડરપાસ તરફ બાજુમાં નવો સર્વિસ રોડ બનાવવામાં આવશે.