
વડોદરા
વડોદરાથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં પાદરા-જંબુસર વચ્ચેનો ગંભીરા પુલ તૂટી પડ્યો હતો, જેના કારણે અનેક વાહનો નદીમાં પડી ગયા હતા. જ્યારે એક ટ્રક પુલ પર લટકતી જોવા મળી હતી. ઘટનાની માહિતી મળતા જ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ પુલ આણંદ અને વડોદરા જિલ્લાઓને જોડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં તાજેતરના વરસાદને કારણે ઘણા રસ્તાઓ જર્જરિત થઈ ગયા છે, જ્યારે ઘણી જગ્યાએ પુલોને પણ નુકસાન થયું છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં મુખ્યમંત્રીએ ગુણવત્તાયુક્ત કામ કરતા કોન્ટ્રાક્ટરોને કામ આપવાનું સૂચન પણ કર્યું હતું. આજે સવારે સમાચાર આવ્યા કે આણંદ-પાદરાને જોડતો પુલ અચાનક તૂટી પડવાથી 10 લોકોના મોત થયા છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ આ સંદર્ભમાં નિવેદન આપ્યું હતું કે આણંદ અને પાદરાને જોડતા પુલનો એક ભાગ તૂટી પડ્યો છે અને લગભગ 5 વાહનો તેમાં ફસાઈ ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 212 કરોડના ખર્ચે નવો પુલ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ ટેકનિકલ નિષ્ણાતોને ઘટનાસ્થળે મોકલ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર ઘટનમાં કુલ 10 લોકોના મોત નીપજ્યા છે. તેમજ ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. વડોદરા આણંદને જોડતો ગંભીરા બ્રિજ ધરાશાયી થયાની જાણ થતાં વડોદરા ફાયરની 3 ટિમો રેસ્ક્યુ માટે પહોંચી હતી, ત્યારે જિલ્લા કલેકટર ડૉ. અનિલ ધામેલીયા પહોંચ્યા હતા. પાદરા પુલ તૂટી પડવાના કેસમાં સરકારે કાર્યવાહી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુલ તૂટી પડવાની ઘટનાની માહિતી લીધી છે. ઉપરાંત, પ્રભારી હર્ષ સંઘવીએ કલેક્ટર સાથે ચર્ચા કરી છે અને પુલ તૂટી પડવાની સમગ્ર ઘટનાથી મુખ્યમંત્રીને વાકેફ કર્યા છે. પુલ તૂટી પડ્યા બાદ કરવામાં આવેલી કાર્યવાહી અંગે પણ તેમને માહિતગાર કરવામાં આવ્યા છે. ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુલ તૂટી પડવા અંગે કલેક્ટર સાથે ચર્ચા કરી છે.
આ દુર્ઘટનાને લઈ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે.તેમણે કહ્યું કેબ્રિજ વચ્ચેનો એક સ્લેબ તૂટવાની માહિતી મળી છે. 5 લોકોનું રેસક્યું કરી લેવાયું છે,તેમજ ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. અમે નવો બ્રિજ બનાવવા નવો બ્રિજ બનાવવાની મંજૂરી આપી હતી.એટલુજ નહીં મુખ્યમંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. જોકે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ સમગ્ર ઘટનાની જાણ મુખ્યમંત્રીને કરી હતી.તેમજ સમગ્ર ઘટના અંગે તેમણે માહિતી મેળવી હતી.
મળતી માહિતી મુજબ, એક ટ્રક, એક બોલેરો અને એક બાઇક સહિત પાંચ વાહનો નદીમાં પડી ગયા છે. આ ઘટના અંગે ખુદ કલેક્ટરે માહિતી આપી છે. તે જ સમયે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ પણ X પર પોસ્ટ કરીને ઘટનાનો વીડિયો શેર કર્યો છે. પુલ તૂટી પડવાથી ભારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે. આ વાતને ધ્યાનમાં રાખીને, અમિત ચાવડાએ વહીવટીતંત્રને ટ્રાફિકને સરળ બનાવવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અપીલ કરી છે. જાણવા મળ્યું છે કે આ પુલનું નામ ગંભીરા પુલ છે.
ગંભીરા પુલ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. વર્ષો જૂનો ગંભીરા પુલ તૂટી પડ્યો. આ સમગ્ર ઘટનામાં 4 લોકો નદીમાં ડૂબી ગયા હોવાની આશંકા છે. પાદરા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તરવૈયાઓ અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પુલ 1981 માં બનાવવામાં આવ્યો હતો અને 1985 માં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. NDRF ની એક ટીમ બચાવ માટે રવાના થઈ ગઈ છે. રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અને અકલાવના ધારાસભ્ય ચાવડાએ આપેલી માહિતી મુજબ, આ પુલ આણંદ અને વડોદરા જિલ્લાને જોડે છે અને આ પુલનો કાર્યક્ષેત્ર વડોદરા જિલ્લામાં આવતો હોવાથી, વહીવટીતંત્રે તેનું કામ પોતાના હાથમાં લીધું છે. તેમણે જણાવ્યું કે પુલ તૂટી પડવાની ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. હાલમાં પુલ તૂટી પડવાથી પાંચ વાહનો નદીમાં પડી ગયા છે અને એક ટ્રક લટકતી પડી છે. બંનેને જાણ કરવામાં આવી છે. આ પુલ મહિસાગર નદી પર આવેલો છે. તેનું બાંધકામ 1985માં પૂર્ણ થયું હતું. પુલ તૂટી પડતાંની સાથે જ માર્ગ બાંધકામ વિભાગની ગંભીર બેદરકારી છતી થઈ ગઈ છે કારણ કે સરકારે નવા પુલના નિર્માણને મંજૂરી આપી હતી અને નવા પુલ માટે સર્વે પણ કરવામાં આવ્યો હતો, પરંતુ આ પુલની જર્જરિત હાલત હોવા છતાં, તેને બંધ કરવામાં આવ્યો ન હતો.
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે (9 જુલાઈ) વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. જેમાં 9 વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે. આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. તે સાથે પાદરા પોલીસે પણ ઘટનાસ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા,ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે.
છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતા જ લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા ત્રણ લોકોને બચાવી લીધા હતા. માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એન. એમ. નાયકાવાલાએ જણાવ્યું કે આ બ્રિજ 1985માં બન્યો હતો. અને બ્રિજની લાઇફ 100 વર્ષની હોય છે. ગયા વર્ષે માલુમ પડતાં કામગીરી કરાઇ હતી. અને આ વર્ષે પણ ખાડા પુરાયા હતા. અમારા રિપોર્ટમાં બ્રિજમાં મેજર ડેમેજ નહોતું. પુલ જર્જરિત નથી, અહેવાલ આવે ત્યારબાદ કારણોની જાણ થશે.
ડાયવર્ટેડ કરેલ રૂટની વિગતો જોઈએ તો, તારાપુરથી વડોદરા જતા ભારે વાહનોએ સીધા વાસદ થઈને વડોદરા તરફ રૂટનું ડાયવર્ટ કરાયો છે. તદ ઉપરાંત બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતા નાના વાહનોએ ગંભીરા બ્રિજ તરફ જવાની જગ્યાએ ઉમેટા થઇને નીકળવું તેમજ ભારે વાહનોએ વાસદ રૂટનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. વધુમાં,પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જતા વાહનોએ ગંભીરા બ્રિજની જગ્યાએ નાના વાહનોએ ઉમેટા તરફ જવા અને મોટા વાહનોને વાસદ થઈને નિકળવા જણાવવામાં આવ્યું છે. 9 જુલાઈથી ગંભીરા પુલ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું આણંદ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ઋતુરાજ દેસાઇએ પ્રસિદ્ધ કર્યું છે.ગંભીરા બ્રિજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનોને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા ટોળે વળેલા લોકોનો તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. લોકો જણાવી રહ્યા હતા કે 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે આ દુર્ઘટના સર્જાઇ છે. આ દુર્ઘટના માટે માત્રને માત્ર તંત્ર જવાબદાર હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે અને આ દુર્ઘટના માનવસર્જિત દુર્ઘટના છે. સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાતની જોડતો બ્રિજ જે પાદરાના મુંજપરા ખાતે આવેલો ગંભીરા બ્રિજ છે એ તૂટી પડ્યો છે અને આ ઘટનાના કારણે બ્રિજ પરથી પસાર થતા ચાર વાહનો નદીમાં ખાબકી પડ્યા છે. આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે હું ભાજપને સવાલ પૂછવા માંગુ છું કે ટેક્સ જનતા ભરે છે અને આ ટેક્સ એટલા માટે ભરવામાં આવે છે કે તમે જનતાને સુરક્ષા આપો અને વ્યવસ્થા આપો. તો આજે ટેક્સ રૂપે નાણાં સરકારને આપવામાં આવે છે તે નાણા તમે ભ્રષ્ટાચાર કરીને ખાઈ જાવ છો. અને ટેક્સના આટલા રૂપિયા આપ્યા બાદ પણ જનતા મરી રહી છે. જનતા ક્યાં સુધી ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે? સ્થાનિક યુવકે કહ્યું અમે લોકો સવારથી રેસ્ક્યૂની કામગીરી કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં છ મૃતદેહ બહાર કાઢ્યા છે, જેમાંથી એક બાળક છે તથા એક બાળકનો પત્તો નથી. તંત્ર દ્વારા કોઈ મદદ મળી નથી. વડોદરામાં વધુ બે ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કુલ ચાર લોકોને ગંભીર સ્થિતિમાં ખસેડવામાં આવ્યા છે. જશપાલસિંહ પઢિયારે જણાવ્યું હતું કે, છેલ્લા 6-7 વર્ષથી અમે નવો બ્રિજ બનાવવા માટે રજૂઆતો કરતા હતા. પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં અને આજે મોટી દુર્ઘટના બની છે. વડોદરા ફાયર બિગેડના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે જણાવ્યું હતું કે પાદરા ગંભીરા બ્રિજની ઘટના બનતા ફાયર બ્રિગેડની ત્રણ ટીમો રવાના કરવામાં આવી છે. ઈજાગ્રસ્ત રાજુભાઈ હાથિયા અને દિલીપભાઇ પઢિયારને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વડોદરા 108ની 6 અને આણંદની 2 મળી 8 ટીમો ઘટનાસ્થળે છે. પાદરા હોસ્પિટલમાં 6 અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મૃતકોની યાદી સામે આવી
- વૈદિકા રમેશભાઈ પઢીયાર, ગામ-દરિયાપુરા
- નૈતિક રમેશભાઈ પઢીયાર, ગામ-દરિયાપુરા
- હસમુખભાઈ મહીજીભાઈ પરમાર, ગામ-મજાતણ
- રમેશભાઈ દલપતભાઈ પઢીયાર, ઉં. વ.32, ગામ-દરિયાપુરા
- વખતસિંહ મનુસિંહ જાદવ, ગામ-કાન્હવા
- પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ, ઉં. વ.26, ગામ-ઉંડેલ
- અજાણ્યા શખ્સ
- અજાણ્યા શખ્સ
- અજાણ્યા શખ્સ
ઈજાગ્રસ્તોની યાદી
- સોનલબેન રમેશભાઈ પઢિયાર, ઉં. વ. 45, ગામ-દરિયાપુરા
- નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ઉં. વ. 45, ગામ-દહેવાણ
- ગણપતસિંહ ખાનસિંહ રાજુલા, ઉં. વ. 40, ગામ-રાજસ્થાન
- દિલીપભાઈ રામસિંહ પઢિયાર, ઉં. વ. 35, ગામ-નાની શેરડી
- રાજુભાઈ ડુડાભાઇ, ઉં. વ. 30, ગામ-દ્વારકા
- રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા, ઉં. વ. 45, ગામ-દેવાપુરા