Gambhira Bridge Collapse : સતત મોડી રાત સુધી બચાવ કામગીરી, નદીમાં ડૂબેલો ટ્રક બહાર કાઢતા નીચેથી વધુ ત્રણ મૃતદેહ મળ્યા.

Spread the love

ડોદરા જિલ્લાના પાદરા નજીક મૂજપુર ખાતે આવેલા બ્રિજ તૂટી પડવાથી સર્જાયેલી ગંભીર ઘટના બાદ છેલ્લા 12 કલાકથી સતત બચાવ કામગીરી ચાલી રહી છે. નદીમાં ખાબકેલા કીચડ અને સિરામિક ટાઇલ્સ ભરેલા ટ્રકને દૂર કરી અટવાયેલા લોકોની શોધખોળ માટે તંત્ર દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે

જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ સવારથી ઘટનાસ્થળે હાજર રહી બચાવ કામગીરીનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે.

રાતના સમયે ફ્લડ લાઈટની મદદથી કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રકને હટાવવાની પ્રક્રિયામાં વાયરો મંગાવીને તેને હિટાચી મશીન સાથે જોડીને સીધું કરાયું હતું. આ પ્રયાસોમાં ત્રણ લોકોના મૃતદેહો મળી આવ્યા હતા.

 

મૃતદેહોને પાદરા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબી તપાસ બાદ તેમને તેમના પરિવારજનોના હવાલે કરવામાં આવ્યા. ઘટના બાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હીરપરા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ હોસ્પિટલમાં હાજર રહીને મૃતકોના પરિવારજનોને જરૂરી સહાય અને સાંત્વના આપી હતી.

 

રાજ્ય સરકાર તરફથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર શ્રી પટેલિયાને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે, જેથી પૂરતી તકેદારી સાથે આગળની કાર્યવાહી થઈ શકે.

 

પૂનમના કારણે મહી નદીમાં પાણીનો પ્રવાહ વધી શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા માટે તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે. મોડી સાંજે મળેલા મૃતદેહોમાંથી બે વ્યક્તિઓની ઓળખ થઈ ચૂકી છે. જેમાં દ્વારકાના મહેન્દ્રભાઈ પર્વતભાઈ હથીયા અને આંકલાવના વિષ્ણુભાઈ રાવલનો સમાવેશ થાય છે. ત્રીજા મૃતકની ઓળખ માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *