જીમ લોન્જના માલિક સેંગરનો ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ… વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી

Spread the love

 

એક તરફ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) બોગસ હથિયાર કેસમાં સંખ્યાબંધ લોકોને ઝડપીને દાખલો બેસાડ્યો છે ત્યારે શહેરમાં અનેક જગ્યાએ જીમ ધરાવતા અને જીમ લોન્જના ફાઉન્ડર વિજય સેંગરનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો મેઘાણીનગર વિસ્તારમાં તેના ઘરના ધાબાનો હોવાનું જાણવા મળ્યું છે. લગ્નમાં પણ ફાયરિંગનો વીડિયો વાયરલ થાય તો પોલીસ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી કાર્યવાહી કરે છે ત્યારે આ મામલે પોલીસ કાર્યવાહી કરે છે કે કેટલાક પોલીસ સાથે ઘરોબો ધરાવતા વિજય સેંગરને છુટ્ટો દોર આપે છે તે જોવું રહ્યું. સોશિયલ મીડિયામાં હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જીમ લોન્જના ફાઉન્ડર વિજય સેંગરનો અને વીડિયો થોડા સમય પહેલાનો છે અને વિજય સેંગરે તેના જ મેઘાણીનગરના ઘરેથી હવામાં રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ જે હથિયારથી વિજય સેંગરે ફાયરિંગ કર્યું તે હથિયાર પણ તેણે ગુજરાત બહારથી લીધું હોવાનું તથા તે લાઈસન્સ પણ ATSએ જે કૌભાંડ પકડ્યું તે પૈકીનું જ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ ઉપરાંત સેંગરે લાખો રૂપિયા લઇ અજય સેંગર, દિનેશ શહાની, પવન ચૌહાણ, વિશાલ પટેલ, અમિત રાજપૂત સહિત ડઝનબંધ લોકોને આ રીતે હથિયાર લાઈસન્સ અપાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ વિજય સેંગરને કેટલાક પોલીસ અધિકારી સાથે ઘરોબો છે તેથી તેને બચાવવા તે અધિકારીઓ સક્રિય હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સામાન્ય વ્યક્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરતી પોલીસ આ કેસમાં કાર્યવાહી કરે છે કે નહીં તે અંગે તર્કવિતર્ક થઈ રહ્યા છે. મેઘાણીનગર પીઆઇ ડી.બી. બસિયાએ જણાવ્યું હતું કે, તપાસ જારી છે, જૂનો વીડિયો છે, તે મેઘાણીનગર વિસ્તારમાં રહેતો નથી. આ મામલે અમારી તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *