US 500% tariff on India: અમેરિકા અને રશિયા વચ્ચેના તણાવની અસર હવે ભારત પર પણ પડી રહી છે. અમેરિકાના બે અગ્રણી નેતાઓ, રિપબ્લિકન લિન્ડસે ગ્રેહામ અને ડેમોક્રેટ રિચાર્ડ બ્લુમેન્થલ, એ સંયુક્ત રીતે એક નવું બિલ રજૂ કર્યું છે, જે રશિયા પાસેથી તેલ અને યુરેનિયમ ખરીદતા દેશો પર ભારે ટેક્સ લાદવાની જોગવાઈ ધરાવે છે. આ બિલ, જેને “સેન્ક્શનિંગ રશિયા એક્ટ ઓફ 2025” નામ આપવામાં આવ્યું છે, તે ખાસ કરીને ભારત અને ચીન જેવા દેશોને નિશાન બનાવે છે, જે રશિયા પાસેથી તેમની 70% ઊર્જા જરૂરિયાતો પૂરી પાડે છે.
જો આ બિલ લાગુ કરવામાં આવે તો તેની સૌથી મોટી અસર ભારત પર પડી શકે છે.
500% ટેરિફનો પ્રસ્તાવ અને તેનો ઉદ્દેશ્ય
આ પ્રસ્તાવિત બિલ મુજબ, જો કોઈ દેશ રશિયા પાસેથી તેલ, ગેસ અથવા યુરેનિયમની ખરીદી કરશે, તો તે દેશમાંથી અમેરિકામાં આયાત થતી ચીજવસ્તુઓ પર 500% જેટલો જંગી ટેક્સ લાદવામાં આવશે. યુએસ સેનેટર રિચાર્ડ બ્લુમેન્થલે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વને ઊર્જા માટે રશિયા પરની નિર્ભરતા ઘટાડવાનો અને યુક્રેન યુદ્ધ માટે રશિયાને સજા કરવાનો છે. તેમણે તાજેતરમાં રોમમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને મળીને યુએસના મજબૂત સમર્થનનું વચન આપ્યું હતું.
ભારત પર સંભવિત અસર અને આર્થિક પડકારો
આ બિલને અમેરિકાના બંને પક્ષોના 80 થી વધુ સાંસદોનું સમર્થન પ્રાપ્ત છે, જે દર્શાવે છે કે તેને પસાર થવાની સંભાવના ઘણી ઊંચી છે. અમેરિકાનું માનવું છે કે રશિયા પાસેથી યુદ્ધ ભંડોળ ઘટાડવા માટે આ પ્રકારના પગલાં જરૂરી છે. આ બિલ સામાન્ય આર્થિક પ્રતિબંધોથી અલગ છે, કારણ કે તે માત્ર રશિયન કંપનીઓ અને બેંકોને જ નહીં, પરંતુ રશિયા પાસેથી ઊર્જા ઉત્પાદનો ખરીદતા તમામ દેશોને સીધી અસર કરશે.
ભારત માટે આ બબર એક મોટો પડકાર છે, કારણ કે વર્ષ 2024માં ભારતે રશિયા પાસેથી તેની કુલ તેલ આયાતનો લગભગ 35% હિસ્સો ખરીદ્યો હતો. રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને ભારતે સ્થાનિક ફુગાવાને નિયંત્રણમાં રાખવામાં સફળતા મેળવી છે. જો અમેરિકા દ્વારા 500% ટેરિફ લાદવામાં આવે, તો ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતી ચીજવસ્તુઓના ભાવ એટલા વધી જશે કે અમેરિકન બજારમાં તેને ખરીદનાર કોઈ નહીં રહે. આનાથી ભારતીય નિકાસકારોને મોટું નુકસાન થઈ શકે છે અને ભારત-અમેરિકાના વ્યાપારી સંબંધો પર પણ નકારાત્મક અસર પડી શકે છે. આગામી સમયમાં આ બિલનું ભવિષ્ય અને ભારત સરકારની પ્રતિક્રિયા પર સૌની નજર રહેશે.