ગુજરાતમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના વડા ડો. રાકેશ જોષી ભુના શરણે થયા હોય તેવો એક વીડિયો વાઈરલ થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા ખોડિયાર માતાના મંદિરને ખસેડવા અંગે પૂજારી પાસે દાણા જોવડાવવા પહોંચ્યા હોવાનો વીડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે.
ખોડિયાર માતાજીનું મંદિર ખસેડવા ભુવા પાસે ગયા
મળતી માહિતી મુજબ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવા બિલ્ડિંગના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. જેમાં જૂના બિલ્ડિંગને તોડીને નવું બાંધકામ કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન હોસ્પિટલ કેમ્પસમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર ખસેડવાની જરૂર પડી શકે તેમ છે. જોકે, સ્થાનિક લોકો આ મંદિરને ખસેડવાનો વિરોધ કરી રહ્યા છે.
ભુવાએ ધૂણતા ધૂણતા મંદિર ન ખસેડવા માટે ના પાડી
આ દરમિયાન, એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષી આ મંદિરને ખસેડવા અંગે પૂજારી પાસે માતાજીની ‘રજા’ લેવા માટે દાણા જોવડાવવા પહોંચ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં મંદિરના પૂજારી ધૂણતા-ધૂણતા મંદિર ન ખસેડવા માટે ના પાડતા જોવા મળે છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટરે દાણા જોવડાવ્યા હોવાના દાવાની આ ઘટનાએ વ્યાપક ચર્ચા જગાવી છે.
દાણા જોવા તે અંધશ્રદ્ધા ન કહેવાય
ડોક્ટર રાકેશ જોષીનો વિડિયો વાયરલ થયા બાદ ખોડિયાર મંદિરના પૂજારી સંદીપ દવેએ આ મામલે સ્પષ્ટતા કરી છે. પૂજારી સંદીપ દવેએ જણાવ્યું કે, આ મંદિર હટાવવા મુદ્દે સુપરિન્ટેન્ડેન્ટ વાતચીત માટે આવ્યા હતા. અને મંદિરમાં પરંપરાગત મુજબ અમે દાણા જોવડાવ્યા હતા, પરંતુ માતાજીએ રજા આપી નથી. માતાજીએ કહ્યું કે આ જગ્યા છોડી કામ શરૂ કરી દો, તમારું કામ થઈ જશે. સુપરિન્ટેન્ડેન્ટ અંધશ્રદ્ધાને લઈને આવ્યા ન હતા. અમારે ત્યાં દાણા જોવા તે અંધશ્રદ્ધા ન કહેવાય.